અમદાવાદમાં વરસાદના લીધે વિદ્યાર્થીઓ અટવાયા, અંડરપાસવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં વરસાદના લીધે વિદ્યાર્થીઓ અટવાયા, અંડરપાસવાળા વિસ્તારોમાં પાણી ભરાયા 1 - image

Representative Image



Rain in Ahmedabad : ગુજરાતની ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના (Ahmedabad Rain) વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરુ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા.

ખાસ કરીને શાળાએથી છૂટવાનો સમય હોવાથી વિદ્યાર્થીઓ હેરાન થયા હતા. પૂર્વ અમદાવાદના ઉત્તર ઝોનમાં વરસાદનું જોર વધુ હોવાને પગલે અંડર પાસવાળા એરિયામાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. એકસાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. 

બપોરથી શરુ થયેલા વરસાદને પગલે શાહીબાગ, મણિનગર, સાબરમતી, ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર, નરોડા, સરદારનગર, કોતરપુર, એરપોર્ટ, ઇન્દિરાબ્રિજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર્વની સાથે સાથે પશ્વિમ અમદાવાદના આશ્રમરોડ, ઉસ્માનપુરા, જમાલપુર, લાલદરવાજા, પાલડી, ઇન્કમટેક્સ, વાડજ, રિવરફ્રન્ટ  સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાને કારણે લોકોના વાહનો બંધ પડી ગયા હતા. 

અમદાવાદમાં બપોરે એક વાગ્યા સુધી મધ્યઝોનમાં એક ઇંચ અને ઉતરઝોન માં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે શહેરમાં સરેરાશ વરસાદ પોણો ઇંચ નોંધાયો હતો. કુબેરનગર , સરદાર નગર, સૈજપુર ગરનાળા વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકો ને ભારે હાલાકી થઈ છે. શાળાઓ છૂટવાના સમયે જ વરસાદ થયો હોવાથી વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.

16મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડવાની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. 

17મી જુલાઈના દિવસે રાજ્યના મોટા ભાગના સ્થળે મેધમહેર

આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.

18મી જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.


Google NewsGoogle News