અમદાવાદમાં અવિરત 5થી 9 ઇંચ વરસાદ, 22 સ્ટેટ હાઇવે બંધ, ટ્રેન અને વિમાન સેવા અસરગ્રસ્ત
Rain In Ahmedabad : ગત 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. રાજ્યમાં હાલ વરસાદનું ડિપ્રેશન સર્જાયું છે જેના લીધે હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં સોમવારથી શરુ થયેલો વરસાદ અવિરત વરસી રહ્યો છે. જેના કારણ શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે.
અમદાવાદમાં સરેરાશ 5થી 9 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું છે. શહેરના રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણથી કેડસમા પાણી ભરાઈ ગયા છે. આજે વહેલી સવારથી ખાબકી રહેલા વરસાદે નગરજનોની ચિંતા વધારી છે.
ગત 24 કલાકમાં નરોડા અને મણિનગરમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉસ્માનપુરામાં 11 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં સરેરાશ 5થી 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આખી રાત વરસાદ વરસતાં સવારે 6 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
તો બીજી તરફ આજે વહેલી સવારથી જ અમદાવાદના ચાંદખેડા, વૈષ્ણવદેવી, ગોતા, અડાલજ, થલતેજ, બોપલ, ન્યુ સીજી રોડ, સાબરમતી સહિતાના વિસ્તારોમાં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરુ થઈ ગયું છે.
અમદાવાદમાં આજે પણ અમુક વિસ્તારમાં ધીમી ધારે તો અમુક એરિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી બિનજરૂરી બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ટ્રેન સેવા અને હવાઈ સેવાને પણ અસર પહોંચી છે. ફ્લાઇટો અને ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે.