વાવાઝોડું ફંટાયું પણ હજુ મેઘરાજા કરશે તાંડવ, ગુજરાતમાં આ તારીખે ફરી સક્રિય થશે વરસાદી સિસ્ટમ
Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ગઈ કાલે (30 ઑગસ્ટે) અસના વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'રાજ્યમાં આગામી દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી 4થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે.'
આ પણ વાંચો : ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો
4થી 10 સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'અસના વાવાઝોડું ઓમન તરફ જતાં ગુજરાતને રાહત મળી છે, ત્યારે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે પૂરની પણ શક્યતા છે. રાજ્યમાં આગામી 4થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.'
23 સપ્ટેમ્બર પછી રાજ્યમાં ભારે વરસાદી ઝાપટાં રહેશે
અંબાલાલ પટેલે કહ્યું કે, 'રાજ્યમાં મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, પાદરા, બોડેલી, લીમખેડા, સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે 23 સપ્ટેમ્બર પછી રાજ્યમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે.'
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતી કાલે (1 સપ્ટેમ્બર) દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના છૂટાછવાયા સ્થળે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.