આજે ગુજરાતમાં મેઘરાજાએ લીધો વિરામ, 22 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain Updates : રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસની તુલનાએ આજે (17 જુલાઈ) રાજ્યના માત્ર 31 તાલુકામાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો.
કચ્છના લખપતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજના (17 જુલાઈ) દિવસમાં રાજ્યમાં માત્ર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં સૌથી વધુ 14 મિ.મી. વરસાદ પડ્યો હતો. આ સિવાયના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં રાજકોટના કોટડા સાંગણીમાં 13 મિ.મી., ખેડાના નડિયાદમાં 12 મિ.મી. સહિત રાજ્યના 29 તાલુકાઓમાં 10 મિ.મી. જેટલો વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યાં છે. આ સાથે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
22 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદનું જોર
રાજ્યમાં વરસાદી માહોલને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણે વધુ રહેશે.
ભારે વરસાદી માહોલન પગલે NDRF-SDRFની ટીમો તૈનાત
રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં ગંભરી પરિસ્થિતિનું અનુમાન નીકળતા જિલ્લા કક્ષાએ NDRF-SDRFની ટીમો તૈનાત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેવામા રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 31 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાંથી સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નોંધાયો હતો.