અંબાલાલ પટેલે 48 કલાક ભારે વરસાદ પડવાની કરી આગાહી, તો હવામાન વિભાગે કહ્યું- 'ચાર દિવસ મૂશળધાર...'

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ વરસ્યો

વરસાદની આગાહી થતા ધરતીપુત્રોમાં છવાયો આનંદ

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
અંબાલાલ પટેલે 48 કલાક ભારે વરસાદ પડવાની કરી આગાહી, તો હવામાન વિભાગે કહ્યું- 'ચાર દિવસ મૂશળધાર...' 1 - image


ગુજરાતમાં અલ નીનોની અસરના કારણે વરસાદ ખેંચાયો હતો અને છેલ્લા 10 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ વરસ્યો હતો, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં કોઈ જિલ્લામાં સારો વરસાદ પડ્યો ન હતો, ત્યારે હવે ચાલુ મહિનામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, બે નવી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે તેમજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. 

આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દાદરાનગરનો સમાવેશ થાય છે. હવામાન નિષ્ણાંતના અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં ભારે આગાહી કરી હતી. જેમાં પંચમહાલ, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ સિવાય ખેડા, આણંદ, મહેમદાવાદ, કપડવંજ અને બાલાસિનોરમાં પણ વરસાદ પડી શકે છે. 

વરસાદની આગાહીથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો 

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો, જો કે વરસાદની આગાહી થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદથી વંચિત છે ત્યારે ગીર, અમરેલી, ખાંભા અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે તેમજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, મધ્ય ગુજરાત સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે તેમજ ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.


Google NewsGoogle News