સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: અહીં ત્રણ કલાકમાં નવ ઈંચ વરસાદ, અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ
Heavy Rain In Saurashtra : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાતા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાજકોટના ધોરાજીમાં છેલ્લા 24 કલાકમાં ધોધમારી વરસાદ વરસ્યો છે. તેવામાં ધોરાજીના ચિચોડમાં ત્રણ કલાકની અંદરમાં નવ ઈંચ વરસાદ વરસતા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. બીજી તરફ, છેલ્લા 24 કલાકની અંદરમાં ભાડેર ગામમાં 12 ઈંચ જેટલો વરસાદ પડતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કર્યો હતો. આ સાથે રાજકોટના જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
ધોરાજીના ચિચોડમાં ત્રણ કલાકમાં નવ ઈંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે પોરબંદર અને રાજકોટ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજકોટના ધોરાજીમાં મેધરાજાએ ધબડાટી બોલાવી હતી. જેમાં ધોરાજીના ચિચોડ ગામમાં ત્રણ કલાકની અંદરમાં નવ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સાથે ધોરાજી ઉપલેટાના તાલુકા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ હતી. આ ઉપરાંત, ઉપલેટા પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ચારેય તરફ પાણી ભરાયા હતા. જેમાં રાજકોટ-પોરબંદર હાઈવે પરના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટ-જુનાગઢ-પોરબંદરમાં વરસાદના લીધે આધિ, વ્યાધિ અને ઉપાધિ, ક્યાંક રસ્તાઓ બંધ તો ક્યાંક રેલવે
ધોરાજીના ભાડેરમાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ, નદી-નાળાઓ પૂરમાં ફેરવાયાં
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે રાજકોટ સહિતના ગામડાઓમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે, ત્યારે ધોરાજીના ચિચોડની સાથે-સાથે ભાડેર ગામમાં પણ છેલ્લા 24 કલાકની અંદરમાં 12 ઈંચ વરસાદ પડતા નદી-નાળાઓમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. આ સાથે અતિભારે વરસાદને લઈને ગામડાના રહેણાવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.
જામકંડોરણા તાલુકના અનેક ગામડામાં વરસાદનું જોર
આ ઉપરાંત, રાજકોટના જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ખજૂરડા, રોઘેલ, ગુદાસરી સહિતના ગામડાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું હતું. સતત બે દિવસથી વરસાદી માહોલ હોવાથી ગામડાઓની નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. આ સાથે ફોફળ ડેમ ઓવરફ્લો થયો હતો.