સુરતમાં સાંબેલાધાર વરસાદ, નવસારીમાં મેઘમહેર: ગુજરાતનાં 121 તાલુકા તરબોળ
Gujarat Rain Update : રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે(5 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. જેમાં બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, નર્મદા, વલસાડ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં આજે રાજ્યમાં બનાસકાંઠામાં સૌથી વધુ 202મિમી વરસાદ નોંધાયો હતો. આ સાથે સુરતના ઉમરપાડા અને કામરેજમાં 100 મિમી કરતાં વધુ વરસાદ પડ્યો હતો. ઉપરાંત રાજ્યના 121થી વધુ તાલુકામાં આજે મેધરાજા મહેરબાન રહ્યાં હતા.
દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં 4 ઈંચથી વધુ વરસાદ
રાજ્યના દક્ષિણ ભાગમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં સાડા 4 ઈંચ અને કામરેજમાં 4 ઈંચ, નવસારીના વાસંદામાં સવા 4 ઈંચ અને ખેરગામમાં સાડા 3 ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં પોણા 4 ઈંચ, તાપીના ડોલવણમાં સવા 3 ઈંચ, વલસાડના કપરાડામાં સાડા 3 ઈંચ, નર્મદાના તિલકવાડા અને ડેડિયાપાડામાં સવા 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
સવારની બે કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં સવારના 6થી 8 કલાકની માત્ર બે કલાકમાં 27થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના વલ્લભીપુરમાં સવા ઈંચ અને ઉમરાળામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજ્યમાં આખા દિવસ દરમિયાન 40 તાલુકામાં 1 ઈંચથી વધુ, 20 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 10 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યાં હતા.
ઉત્તર-દક્ષિણ ભાગમાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ભાગમાં વરસાદની શક્યતા દર્શાવતા ઓેરેન્જ એલર્ટ જાહેર કર્યુ હતું. જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી સ્થિતિનું અનુમાન લગાવતા યેલો એલર્ટ આપવામાં આવ્યું હતું. જેને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અતિભારે, અમદાવાદ, પાટણ, મહેસાણા, આણંદ, વડોદરા જિલ્લામાં ભારે અને મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર સહિત મધ્ય ગુજરાતના કેટલાંક જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આ સાથે સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ રથયાત્રાના દિવસે પણ વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.