અતિભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, નવસારી-વલસાડમાં સૌથી વધુ
Heavy Rains in Valsad and Navsari District : રાજ્યમાં મેધરાજા મન મુકીને વરસી રહ્યાં છે ત્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આમાગી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં આજે (13 જુલાઈ) રાજ્યના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, રાજ્યમાં બપોરના 12 સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારી અને વલસાડના તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. આવો જાણીએ ક્યાં વિસ્તારમાં કેટલા પ્રમાણમાં વરસાદ ખાબક્યો છે.
રેડ એલર્ટને પગલે નવસારી અને વલસાડના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદી માહોલને પગલે વલસાડ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે પારડીમાં 2 ઈંચ, ધરમપુરમાં 41 મિ.મી., કપરાડા, વાપીમાં 28 મિ.મી. અને ઉમરગાંવમાં 22 મિ.મી. વરસાદી આંકડા સામે આવ્યાં છે. તેવામાં નવસારીના ગણદેવીમાં 6 ઈંચ, ખેરગામમાં 3 ઈંચ, ચીખલીમાં પોણા 3 ઈંચ, વાંસદામાં 2 ઈંચ અને જલાલપોરમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં 12 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ
રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે (13 જુલાઈ) બપોરના 12 વાગ્યા સુધીમાં ઉચ્છલમાં 42 મિ.મી., વઘઈમાં 40 મિ.મી., માંડવીમાં 27 મિ.મી., ડાંગના આહ્વામાં 25 મિ.મી., ઝાલોદમાં 24 મિ.મી., મહુવામાં 18 મિ.મી., વ્યારામાં 17 મિ.મી. અને બારડોલીમાં 11 મિ.મી. વરસાદ પડ્યો હતો.
166 તાલુકામાં હજુ 10 ઈંચથી પણ ઓછો વરસાદ
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં જૂનમાં 4.52 ઈંચ જ્યારે 12મી જુલાઈ સુધી 4.62 ઈંચ વરસાદ વરસ્યો છે. 166 તાલુકામાં હજુ 10 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ વર્ષ 2023માં 12મી જુલાઈ સુધીમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા માત્ર 57 તાલુકા હતા. ગતવર્ષે 63 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 25 તાલુકા છે.