ઉનાળાની પહેલા જ બપોરે કાળઝાળ ગરમીથી હાલ બેહાલ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી
આગામી પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે
Weather In Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘણાં શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. આગામી પાંચ દિવસમાં સોરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે.
હોળી સુધી સૂકું અને ગરમ હવામાન રહેશે
હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. હાલમાં પોરબંદરમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ હીટ સાથે એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો, 39.8 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી દ્વારકામાં નોંધાયુ છે. અમદાવાદમાં 36. 6 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીની સાથે ભેજવાળા વાતાવરણના કારણે રાજ્યમાં ધુળેટી સુધી સૂકું અને ગરમ હવામાન રહેશે. જેના સાથે જ ગરમીમાં વધારો જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
ઉલ્લેખનીય છે કે, અગાઉ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, હોળી બાદ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગરમીનો મહત્તમ આંક 22મી માર્ચ સુધીમાં જોવા મળશે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. જેમાં રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમી સાથે વરસાદની શક્યતા છે.