ગુજરાતમાં હીટવેવની ચેતવણી, આજે અમદાવાદ સહિત નવ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે, ત્યારે મંગળવારે (11મી માર્ચે) 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આગામી 2-3 દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ છે. જ્યારે છેલ્લા સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં તીવ્ર ગરમી અને સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું.
આજે 9 જિલ્લામાં હીટવેવની ચેતવણી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 11મી માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.
12 માર્ચની આગાહી
રાજ્યમાં આગામી 2-3 દિવસ ગરમીનો પારો હાઈ રહેવાની સંભાવના છે, ત્યારે 12 માર્ચ, 2025ના રોજ રાજ્યના ચાર જિલ્લામાં હીટવેવની ચેતવણીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી છે.
હીટવેવની અસર
રાજ્યમાં આગામી ચાર દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે હીટવેવના કારણે શું અસર થાય છે તે જાણીએ. હીટવેવમાં ઉચ્ચ તાપમાન, લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેલા અથવા ભારે કામ કરતાં લોકોમાં ગરમીની બીમારીના લક્ષણોની શક્યતા વધી જાય છે. જેમાં નબળા લોકો સહિત બાળકો, વૃદ્ધો ક્રોનિક રોગ ધરાવતા લોકોમાં આરોગ્યની ચિંતા રહે છે.