ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટ સર્જરી પણ ‘આઉટ સોર્સિગ’ થી થાય છે, દર્દીને સ્ટેન્ટ મૂકોને, રૂ.1.20 લાખ મેળવો
Bhagyoday Hospital Controversy : ગરીબ દર્દીઓની સારવારના નામે સરકારી પાસેથી કેવી રીતે નાણાં ખેંખેરવા એ માટે કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં કરતૂતો સામે આવી રહ્યાં છે. માથુ ચકરાવે ચડે તેવી વાત છેકે, કડી સ્થિત ભાગ્યોદય હોસ્પિટલમાં તો હાર્ટ સર્જરી પણ આઉટ સોર્સિગથી કરવામાં આવી રહી છે. ભાગ્યોદય હોસ્પિટલે અમદાવાદ સ્થિત સંજીવની હોસ્પિટલને કેથલેબ-ડોક્ટરો સાથે મેડિકલ કોન્ટ્રાક્ટ જ આપી દીધો છે. દર્દીની સર્જરી દીઠ ડોક્ટરથી માંડીને હોસ્પિટલ સંચાલકોને કમિશન ચૂકવાય છે.
ડો.વજીરાણી સહિત કાર્ડિયોલોજિસ્ટોનો એક જ મંત્ર : દર્દીને સ્ટેન્ટ મૂકોને, રૂ.1.20 લાખ મેળવો
ખ્યાતિકાંડને પણ ભૂલાવી દે તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છેકે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સંજીવની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને ભાગ્યોદય હોસ્પિટલ વચ્ચે કોર્પોરેટ એમઓયુ થયા છે. ભાગ્યોદય હોસ્પિટલમાં હાર્ટની સર્જરી-પ્રોસિજરમાં ઉપયોગમાં લેવાતી કેથલેબ સાથે સંજીવની હોસ્પિટલે કોન્ટાક્ટ મેળવ્યો છે. અહી થતી બધીય હાર્ટ સર્જરી સંજીવની હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ કરે છે.
આ પણ વાંચો: કડીની ભાગ્યોદય હોસ્પિટલ PMJAYના કૌભાંડનું એપી સેન્ટર, ક્લેમ કરીને 6 કરોડની કરી કમાણી
જે દર્દીની હાર્ટ સર્જરી-પ્રોસિજર થાય તે માટે ભાગ્યોદય હોસ્પિટલ આરોગ્ય વિભાગમાં કલેઇમ રજૂ કરી નાણાં મેળવે છે તેમાંથી સંજીવની હોસ્પિટલના સંચાલકોથી માંડીને ડોક્ટરોને ઉંચુ કમિશન ચૂકવાય છે. બધાયને ટકાવારી આધારે કમિશન ચૂકવાય છે. આ કારણોસર ભાગ્યોદય હોસ્પિટલમાં ડો.પ્રશાંત વજીરાણી સહિત અન્ય ચારેક કાર્ડિયોલોજીસ્ટોનો એક જ મંત્ર રહ્યો હતો કે, બ્લોકેજ હોય કે ન હોય, દર્દીને હાર્ટ એટેકનો ડર દેખાડો, સ્ટેન્ટ નાંખો અને રૂ.1.20 લાખ મેળવો. આમ, હવે ઘણી ખાનગી હોસ્પિટલોએ ઇન્ફાસ્ટ્રકચર ભાડે આપી કમિશનનો ધંધો માંડયો છે.
જથ્થાબંધ ખરીદે તો સ્ટેન્ટની કિંમત રૂ.7-8 હજાર, પીએમજેવાયએમાં મળે રૂ.1.20 હજાર
કોર્પોરેટ હોસ્પિટલો હાર્ટ સર્જરી-પ્રોસિજરમાં મસમોટો નફો મેળવે છે. જાણવા મળ્યુ છે કે, હોસ્પિટલ સંચાલકો કંપનીમાંથી જથ્થાબંધ ખરીદી કરે તો સ્ટેન્ટ માત્રને માત્ર રૂ.7- 8 હજારમાં મળી રહે છે જ્યારે આ જ સ્ટેન્ટ નાંખી ડોક્ટરો એન્જિયોપ્લાસ્ટી પેકેજના આરોગ્ય વિભાગ પાસેથી રૂ.1.20 હજાર સુધીની રકમ મેળવે છે. આમ, કોર્પોરેટ હોસ્પિટલ દર્દીઓની જાણ બહાર હાર્ટ એટેકના નામે મોટી કમાણી કરી રહી છે.