ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ મુદ્દે કાર્યવાહી કરો નહીં તો ચીફ સેક્રેટરીએ હાજર થવું પડશે: ગુજરાત હાઇકોર્ટ
Traffic Problem in Ahmedabad: રખડતાં ઢોર, બિસ્માર રસ્તા, માર્ગો-ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહતિના મુદ્દે ઍડ્વોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે રાજ્ય સરકાર, પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સત્તાવાળાઓનો રીતસરનો ક્લાસ લઈ લીધો હતો.
સરકાર-પોલીસ-અમ્યુકૉને હાઇકોર્ટનું એક સપ્તાહનું અલ્ટિમેટમ
જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે સરકાર, પોલીસ તંત્ર અને અ.મ્યુ.કૉ.ને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, નાગરિકો તેમને અસુવિધા થાય તે માટે ટેક્સ નથી ભરતા. ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગ બાબતે એક સપ્તાહમાં આકરા અને પરિણામલક્ષી પગલાં લેવા એક સપ્તાહનું અલ્ટિમેટમ આપતાં હાઇકોર્ટે જણાવ્યું કે, જો આ મામલે સંતોષજનક કાર્યવાહી નહીં થાય તો, રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુરુવારે હાઇકોર્ટમાં રૂબરૂ હાજર થવું પડશે.
અધિકારીઓ હાઇકોર્ટના હુકમને માનવાનો ઇન્કાર કરે તો તેમની સામે કાર્યવાહી
હાઇકોર્ટના હુકમની અવગણના મામલે પણ ખંડપીઠે લાલ આંખ કરતાં સરકારપક્ષને સુણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ હાઇકોર્ટના હુકમને માનવાનો ઇન્કાર કરે એ કોઈપણ સંજોગોમાં સાંખી લેવાશે નહીં. તાજેતરમાં જ મેમનગર વિસ્તારમાં પટેલ કન્યા છાત્રાલય અને દિવ્યપથ હાઇસ્કૂલ પાસેના જાહેર માર્ગ પર લક્ઝરી બસોના લાઇનસર આડેધડ પાર્કિંગને લઈ ઘાટલોડિયા પી.આઇ વી. ડી. મોરીને ફરિયાદ થઈ હતી.
આ પણ વાંચો: કાંકરિયા લેકફ્રન્ટ: સુવિધાના નામે પ્રજાના કરોડો વપરાયા અને કમાણી શાસકોના મળતિયાઓ કરશે
ગેરકાયદે પાર્કિંગ પર પ્રતિબંધ
લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ અને ગેરકાયદે પાર્કિંગ પર પ્રતિબંધ મુદ્દે ખુદ ચીફ જસ્ટિસના હુકમ અને અવલોકનો હોવા છતાં ઘાટલોડિયા પી.આઇ વી. ડી. મોરીએ તેને માનવાનો ઇન્કાર કરી બહુ ઉડાઉ અને વાહિયાત જવાબ આપ્યો હતો કે, તમારાથી થાય એ કરી લો. મારી બદલી કરાવવી હોય તો કરાવી દો એમ કહી હાઇકોર્ટના હુકમનું પાલન કરાવવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.
હાઇકોર્ટે પોલીસ તંત્રને આડા હાથે લીઘું હતું
આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લઈ જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેએ સરકાર અને પોલીસતંત્રને આડા હાથે લીઘું હતું અને બહુ ગર્ભિત સંકેતમાં જણાવ્યું હતું કે, એક પી.આઇ કક્ષાના અધિકારી દ્વારા આ પ્રકારની બેજવાબદારી કે ઉડાઉ વર્તનની આશા નથી, તેમ જ હાઇકોર્ટના હુકમની અવગણના કરનારા આવા પી.આઇ વિરૂદ્ધ કાર્યવાહી કરવી જરૂરી બને છે.
આવું વર્તન કોઈપણ પ્રકારે સાંખી લેવાય નહીં
હાઇકોર્ટે તીખી આલોચના કરતાં જણાવ્યું કે, લક્ઝરી બસોના ગેરકાયદે પાર્કિગ મામલે સિંગલ જજ(જસ્ટિસ વૈભવી ડી. નાણાવટી) અને ખુદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો હુકમ છે અને તમારા એક પી.આઇ એવું માનતા હોય કે, હાઇકોર્ટ તો હુકમો કર્યા કરે...તો પછી હાઇકોર્ટે તેનું ભાન કરાવવું પડશે. જેથી ગર્વમેન્ટ પ્લીડર ગુરશરણસિંહ વિર્કએ કોર્ટનો મિજાજ શાંત પાડતાં જણાવ્યું કે, સાચી વાત છે સાહેબ, આ પ્રકારનું વર્તન કોઈપણ પ્રકારે સાંખી લેવાય નહીં.
આ પણ વાંચો: નિયમોની ઐસીતૈસી! ગુજરાતમાં 3 વર્ષમાં 189 ઉદ્યોગો સામે પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદથી ખળભળાટ
કેસની વઘુ સુનાવણી તા. 8મી ઑગસ્ટે રાખી હતી
હાઇકોર્ટે ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગ આ બે મુદ્દા ગંભીર હોઈ અદાલતે આ મામલે તાત્કાલિક આકરા પગલાં લેવા રાજ્ય સરકાર, ટ્રાફિક પોલીસ અને અમ્યુકૉ સત્તાધીશોને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું, નહીં તો ગુરુવારે ચીફ સેક્રેટરીને હાજર થવું પડશે તેવી સાફ ચીમકી આપી હતી. કેસની વઘુ સુનાવણી તા. 8મી ઑગસ્ટે રાખી હતી.
પંદર દિવસની ડ્રાઇવથી કંઈ નહીં થાય, અમારે સોલ્યુશન જોઈએ છે
હાઇકોર્ટે સરકાર અને પોલીસ તંત્રને એવી પણ માર્મિક ટકોર કરી હતી કે, અમુક જગ્યાએ કેટલાંક રોડ પર જ ટ્રાફિક ડ્રાઇવ કરી ફુલગુલાબી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ ના કરતાં. ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગની સમસ્યા આખા શહેરમાં છે, તેથી તમામ જગ્યાએ તેનું કાયમી ધોરણે અને અસરકારક નિરાકરણ આવે તે પ્રકારે પગલાં લો અને કાર્યવાહી કરો. પંદર દિવસ ડ્રાઇવ કરો છો, પછી બધું જેમનું તેમ થઈ જાય છે, આવું ચાલે નહીં. તમારે સાચા અર્થમાં કામગીરી કરવી જ હોય તો 24 કલાક અને 365 દિવસ કામગીરી કરવી પડે અને તે પ્રકારની સિસ્ટમ ગોઠવવી પડે.
તમે બધા જવાબદારી એકબીજા પર ઢોળશો તે ચાલશે નહીં
હાઇકોર્ટે વેધક સવાલ કર્યો હતો કે, ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગની સમસ્યા માટે જવાબદાર કોણ..? તમે નાગરિકોમાં સિવિક સેન્સનો અભાવ છે એમ કહી બચાવ કરો છો પરંતુ તમારી આ દલીલ સ્વીકારી શકાય નહીં. તમારા અધિકારીઓની જવાબદારી બને છે હાઇકોર્ટના હુકમોનું પાલન કરાવવાની. તમારી પોલીસ, ટ્રાફિક પોલીસ કે અમ્યુકૉ સત્તાવાળાઓ બધા એકબીજા પર જવાબદારી ઢોળી દે છે પરંતુ તે ચાલશે નહીં. પછી તે અમ્યુકૉ, પોલીસ કે સરકાર જ કેમ ના હોય.
આ પણ વાંચો: વડોદરા સેન્ટ્રલ જેલમાં કોબ્રા બાદ મગરની એન્ટ્રી, ફોરેસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ
ખુદ સી.એમ એ કેબિનેટમાં સૂચના આપી છે, છતાં અધિકારીઓ માનતા નથી
જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે કેસની સુનાવણી દરમ્યાન સરકારપક્ષને ટોંણો મારતાં સંભળાવ્યું કે, તમારા અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. ખુદ મુખ્યમંત્રીએ ગઈ કાલે કેબિનેટની બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે, છતાં અધિકારીઓ માનતા નથી, આવી વ્યવસ્થા ચલાવી લેવાય નહીં. જયારે રાજ્યના મુખ્યમંત્રી આ બાબતે ચિંતા વ્યકત કરતાં હોય અને અધિકારીઓ માને નહીં તે બહુ ગંભીર વાત કહી શકાય.