દશેરા પહેલા રાજ્યમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, લોકો ફાફડા-જલેબી આરોગી જશે પછી આવશે રિપોર્ટ?
Food Safety Week : નવરાત્રિનો તહેવાર પૂર્ણ થવાને આરે છે. નવરાત્રિ અને દશેરા નિમિત્તે રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે. દશેરા પર ગુજરાતીઓ લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જતાં હોય છે. ત્યારે કોર્પોરેશનના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગના દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યભરમાં ચેકિંગ શરૂ કરી દીધું છે. અખાદ્ય પદાર્થોના નમૂના લઇ ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. પરંતુ તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી ખૂબ મોડું થઇ ગયું હોય છે. ત્યાં સુધી રાજ્યની જનતાએ લાખો-કરોડોના ફાફડા-જલેબી સહિત મીઠાઇઓ આરોગી ચૂક્યા હોય છે.
આરોગ્ય વિભાગની ખોરાક શાખા ખાતે ફરજ બજાવતા ફૂડ ઇન્સ્પેક્ટરો રાજ્યભરમાં આવેલા ફૂડ સ્ટોલ અને દુકાનોમાં રેડ પાડી નમૂના લઇ રહ્યા છે. તહેવારોના સમયે રાજ્યભરમાં શહેરોમાંથી અલગ-અલગ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના નમુના લેવા, ઇન્સ્પેક્શન કરવા, શંકાસ્પદ માલ સીઝ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જે માત્ર એક દેખાડા સમાન જ હોય છે.
આ પણ વાંચો: સુરત ફરી એકવાર થયું શર્મસાર: માંડવીની સગીરા પર બળાત્કાર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો
ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યભરના વિવિધ શહેરોના જુદા-જુદા વિસ્તારોમાંથી દૂધ તેમજ દુધની બનાવટો, જુદી-જુદી બ્રાન્ડના તેલ, મસાલા, બેકરી આઇટમ, બેસન, રો-મટેરીયલ્સ વિગેરેના નમુનાઓ લેવામાં આવે છે. ત્યારબાદ તેને ચેકિંગ માટે રાજ્યની અલગ અલગ લેબમાં મોકલવામાં આવે છે. જ્યાં તપાસ દરમિયાન પરીક્ષણમાં નિષ્ફળ જાય તો તેની સામે કાર્યવાહી કરાશે.
પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે તહેવારોના સમયમાં લેવામાં આવતાં ફૂડ સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલ્યાના મહિનાઓ બાદ તેના રિપોર્ટ આવતા હોય છે. ત્યાં સુધી લાખો લોકોને આ બિનઆરોગ્યપ્રદ ફૂડ આરોગી ચૂક્યા હોય છે. નવરાત્રિ-દશેરા વખતે લીધેલા નમૂનાઓના રિપોર્ટ દિવાળી બાદ આવતા હોય છે, જ્યારે દિવાળીના ટાળે લેવામાં આવેલા રિપોર્ટ બે-ત્રણ મહિના બાદ આવતા હોવાથી આ પ્રકારે ફૂડ સેમ્પલ લેવાનો કોઇ અર્થ રહેતો નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં ચાલુ ગરબામાં બબાલ! બે રાઉન્ડ ફાયરિંગ, કાયદો વ્યવસ્થાની મજાક બની
તંત્રના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા એકાદ-બે દિવસ અથવા તો અઠવાડિયામાં રિપોર્ટ જાહેર કરી દેવામાં આવે તો પ્રજાના સ્વાસ્થ્ય સાથે થઇ રહેલા ચેડાં અટકાવી શકાય. દેશભરમાંથી ટેસ્ટિંગ માટે ફૂડ સેમ્પલ ગુજરાત મોકલવામાં આવે છે. તિરૂપતી મંદિરના પ્રસાદના લાડુનું ટેસ્ટિંગ પણ ગુજરાતની લેબમાં જ થયું હતું. પરંતુ દિવા નીચે અંધારા જેવી સ્થિતિ રાજ્યમાં જોવા મળે છે. ગુજરાતમાં ફૂડ સેમ્પલના ટેસ્ટિંગ માટે આધુનિક સુવિધાઓ છે. તેમછતાં આટલા મોડા રિપોર્ટ આવતા હોવાથી તેનો ફાયદો નથી. આખરે તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
રાજ્ય સરકાર આ મામલે ગંભીરતાથી વિચારે તો રાજ્યની જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા અટકી શકે. પ્રજા બિન આરોગ્યપ્રદ ખોરાકનું સેવન કરે તે પહેલાં જ રિપોર્ટ આવી જાય તો જનતા સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે. જો મોટા ગુનાઓના કેસમાં એફએસએલ સહિતના રિપોર્ટમાં ગણતરીના દિવસોમાં જ મળી જતા હોય તો ફૂડ રિપોર્ટ મળી શકે. પરંતુ માત્ર એક સિસ્ટમ ન હોવાના અભાવે રાજ્યની જનતાનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર જનતાને શુધ્ધ સાત્વિક અને સલામત આહાર મળી રહે તે માટે ફૂડ બીઝનેસ ઓપરેટરો ખાદ્ય સલામતી અંગે અવેરનેસ આવે તેમજ ખોરાકમાં થતી ભેળસેળ અટકે અને જે તે જગ્યાએ સ્વચ્છતા તેમજ સુવિધાઓ જળવાઇ રહે તે માટે ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.