Get The App

માનવ અંગ પ્રત્યારોપણ કાયદા હેઠળ ગુજરાતના નાગરિકોને પ્રાધાન્યતા અંગેની જોગવાઇ હાઇકોર્ટે રદ કરી

Updated: Nov 23rd, 2022


Google NewsGoogle News
માનવ અંગ પ્રત્યારોપણ કાયદા હેઠળ ગુજરાતના નાગરિકોને પ્રાધાન્યતા અંગેની જોગવાઇ હાઇકોર્ટે રદ કરી 1 - image

અમદાવાદ,તા.23 નવેમ્બર 2022,બુધવાર 

ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્મુમન ઓર્ગન એન્ડ ટિશ્યુ એકટ-૧૯૯૪(માનવ અંગ અને પેશીઓના પ્રત્યારોપણ કાયદો) હેઠળ એક માણસના મૃતદેહમાંથી માનવ અંગો લઇને અન્ય માનવના શરીરમાં પ્રત્યારોપણ કરવા અંગે રાજય સરકાર દ્વારા બનાવાયેલી નીતિમાં ગુજરાતના સ્થાનિક નાગરિકોને પ્રાધાન્યતા આપવી જોગવાઇ કરાઇ હતી. જો કે, આ જોગવાઇ ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવી છે. 

રાજય તેના નાગરિકો પૂરતુ આરોગ્ય અને જીવનના હક્કોને મર્યાદિત કરી શકે નહી ઃ હાઇકોર્ટ 

હાઇકોર્ટે ઠરાવ્યું કે, રાજય માત્ર તેના નાગરિકો પૂરતુ આરોગ્ય અને જીવનના હક્કોને મર્યાદિત કરી શકે નહી. આ અધિકાર પ્રત્યેક વ્યકિત માટે હોઇ શકે, નાગરિક પૂરતો મર્યાદિત ના હોય. ગુજરાતના નિવાસી ના હોય તેવા નાગરિકોને તબીબી સારવાર આપવાનો ઇન્કાર કરી શકાય નહી. રાજય સરકારની નીતિ મુજબ, કલમ ૧૩.૧ અને ગુજરાત ડિસીઝ ડોનર ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સ્પ્લાન્ટેશન ગાઇડલાઇન્સ(જી-ડોટ)ની કલમ૧૩.૧૦(સી) અન્વયે ગુજરાતના ડોમીસાઇલ સ્ટેટસ વગર કોઇપણ વ્યક્તિ અંગ મેળવવા માટેની સરકારની યાદીમાં નોંધણી કરાવી શકતા નથી. હાઇકોર્ટે જણાવ્યું કે, જી-ટોડની આ બંને કલમો કાયદા અને તે અંગેના નિયમોથી વિપરીત છે. માનવ અંગના પ્રત્યારોપણ માટેની સરકારની યાદીમાં એનરોલ થવા સરકાર નવા માપદંડો અને નિયમો લાવવા પ્રયાસ કરી રહી છે જેમાં દર્દી પાસે ડોમીસાઇલ સર્ટિ. હોવું જરૂરી છે. પરંતુ નિયમોમાં કયાંય આ પ્રકારના માપદંડની વાત નથી. નિયમોમાં એવી જોગવાઇ છે કે, દર્દી કોઇપણ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર દ્વારા નોંધણી કરાવી શકે છે. કાયદાનો હેતુ અંગના વેપારને રોકવાનો છે. માનવ અંગોની જરૂરિયાતને લઇ એક કેનેડિયન મહિલા, મધ્યપ્રદેશ અને ઝારખંડના દર્દી તરફથી હાઇકોર્ટમાં કિડની-લીવર ટ્રાન્સ્પ્લાન્ટેશન માટે રિટ કરી જણાવાયું હતુ કે, ડોમીસાઇલ સર્ટિફિકેટના અભાવે તેઓના નામ અંગ મેળવવાની યાદીમાં સમાવાયા નથી પરંતુ તેઓને માનવતાના ધોરણે અને બંધારણીય અધિકાર જોતાં આ હક્ક મળવો જોઇએ. આ કેસમાં હાઇકોર્ટના વચગાળાના આદેશ બાદ અરજદારોની યાદીમાં નોંધણી કરાઇ હતી. 


Google NewsGoogle News