'તમારી લાલચને લીધે નાગરિકો હેરાન થાય છે, શરમ કરો...' ગુજરાત હાઈકોર્ટે પોલીસ-RTOને ઝાટક્યાં
Gujarat High Court: અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોને ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજયમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે ટ્રાફિક પોલીસ, પોલીસ ઓથોરીટી, આરટીઓ સત્તાવાળાઓને બહુ જોરદાર રીતે આડા હાથે લીધા હતા.
ટ્રાફિક પોલીસ-આરટીઓ ઓથોરીટીને હાઈકોર્ટે આડા હાથે લીધા
જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે એક તબક્કે એટલી હદે માર્મિક ટકોર કરી હતી કે, થોડા આર્થિક લાભ માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સત્તાવાળાઓની મિલીભગતના કારણે નિર્દોષ નાગરિકો ટ્રાકિકની સમસ્યાઓમાં હેરાન થઈ રહ્યા છે. હાઈકોર્ટે ટ્રાફિકની ખાડે ગયેલી સમસ્યાઓને સુધારવા અને જે તે વિસ્તારના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના નિર્દેશો સાથે રાજયના ગૃહ વિભાગ, ટ્રાફિક પોલીસ, આરટીઓના જવાબદાર અધિકારીને તા.14મી ઓગસ્ટે રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. હાઈકોર્ટે સમગ્ર સિસ્ટમને લઈ કેસની સુનાવણી દરમ્યાન બહુ આકરા પ્રહારો કર્યા હતા.
ટ્રાફિક સમસ્યાઓ અને સિસ્ટમને સુધારવા મુદ્દે વિગતવાર સોગંદનામું રજૂ કરવાનો હુકમ
હાઇકોર્ટે ટ્રાફિકની ઉપરોકત સમસ્યાઓ પરત્વે જરૂરી ખુલાસા અને ટ્રાફિક સિસ્ટમને સુધારવા શું પગલા લેવા માંગો છો તે મુદ્દે વિગતવાર સોગંદનામું રજૂ કરવા રાજયના ગૃહ વિભાગના સચિવ, ખુદ વાહન વ્યવહાર કમિશનર, રાજયના ડીજીપી (પોલીસ મહાનિર્દેશક) આરટીઓ ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારીને હુકમ કર્યો હતો.
તાજેતરમાં જ મેમનગર વિસ્તારમાં પટેલ કન્યા છાત્રાલય અને દિવ્યપથ હાઈસ્કૂલ રોડ પર જાહેર માર્ગો પર લક્ઝરી બસોના લાઇનસર આડેધડ પાર્કિંગને લઈ ઘાટલોડિયા પીઆઈ, વી.ડી.મોરીને ફરિયાદ થઈ હતી અને ખુદ લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ અને ગેરકાયદે પાર્કિંગ પર પ્રતિબંધ મુદ્દે ખુદ ચીફ જસ્ટિસના હુકમો અને અવલોકનો હોવા અંગે પીઆઈ વી.ડી.મોરીએ બહુ ઉડાઉ અને વાહિયાત જવાબ આપ્યો હતો.
પીઆઈ વી.ડી.મોરીએ આપ્યો ઉડાઉ જવાબ
હાઈકોર્ટે એવું કયાં કહ્યું છે કે, અહીં લક્ઝરી ઉભી ના રાખવી. તમારાથી થાય એ કરી લો. મીડિયામાં આ અંગે પ્રસિધ્ધ અહેવાલોને લઈ જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે ગંભીર નોંધ લઈ નામ લીધા વિના સરકારી વકીલને બહુ સાફ શબ્દોમાં સુણાવતાં અને ટ્રાફિક પોલીસ તેમ જ પોલીસ ઓથોરીટીની બહુ ગંભીર આલોચના કરતાં જણાવ્યું હતું કે, કાયદાનું પાલન કરાવવું એ પોલીસની વૈધાનિક ફરજ અને જવાબદારી છે. જો તેમને જવાબદારીનું ભાન ના હોય તો તમારે તે ભાન તેમને કરાવવું જોઈએ. લકઝરી બસો રોડ પર પડી રહી છે અને કોઇ ફરિયાદ કરે છે તો લોકલ પોલીસ સ્ટેશન એવું કહે છે જયાં જવું હોય તો જાઓ તો માણસ જાય કયાં તમે કેમ હટાવતા નથી. તમે પણ કોર્ટ ઓફિસર છો અને તમે પણ એક નાગરિક છો તમને ખબર હોવી જોઈએ.
હાઈકોર્ટે બહુ ગંભીર ટકોર કરી
જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે સરકારી વકીલને રોકડું પરખાવ્યું હતું કે, તમારા ડીસીપી અગાઉ એવું કહેતા હતા કે 1500 માણસોના સ્ટાફમાં 80 લાખની વસ્તીને કંટ્રોલ ના કરી શકીએ જો તે તમારો જવાબ હોય તો બહુ શરમજનક વાત કહેવાય. આ તો તમારી ડયુટી છે તેમાં કોઈ બાંધછોડ ના ચાલે. તમે તમારી જવાબદારીમાંથી છટકી શકો નહી. સરકારી કહ્યું ,હું માફી ચાહુ છુ. ડીસીપીના આવા જવાબ બદલ, જેથી હાઈકોર્ટે બહુ ગંભીર ટકોર કરી હતી કે, તમારા માટે શું માણસોના દિમાગની કોઈ જ કિંમત નથી. થોડો લાભ મેળવવા માટે ટ્રાફિક, આરટીઓના મેળાપીપણામાં લોકો હેરાન થાય છે, તમને કંઈ પડી જ નથી.
સરકારી વકીલ પાસે હાઇકોર્ટના વેધક પ્રશ્રોનો કોઇપણ જવાબ ન હતા
ભ્રષ્ટાચાર અથવા પર્સનલ ભાગીદારી હોય તો જ આ બધુ કરવા દેવાની છૂટ અપાતી હોય તેવું સ્પષ્ટ જણાય છે. શહેરમાં લકઝરી બસોના ગેરકાયદે પાર્કિંગ સામે કેમ પગલાં લેતા નથી...? બસ સ્ટોપ પર પાર્ક ના કરી શકાય તેવા ટ્રાફિકના, નિયમો છે.. ખબર છે ને તમને...? તો પણ કેમ પાર્ક થાય છે. સરકારી વકીલ પાસે હાઇકોર્ટના વેધક પ્રશ્રોનો કોઇપણ જવાબ ન હતો. હાઈકોર્ટ ઉપરોક્ત તમામ મુદ્દે ખુદ રાજ્યના ગૃહ વિભાગના સચિવ, રાજ્યના ડીજીપી, ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારીઓનો ખુલાસો માંગ્યો છે અને તેઓને તા. 14મી ઓગસ્ટે અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું હતું.
ટ્રાફિક પોલીસ શેના માટે રાખી છે તે કંઇ સમજાતું નથી...
હાઇકોર્ટે બહુ જોરદાર માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, જો કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ નીકળે તો તમારી ટ્રાફિક પોલીસના દસ માણસો તેને ઘેરીને ઉભા હોય છે અને બીજાને છૂટ આપી દેવાય છે, તમારી પોલિસીમાં શું આવું કંઇ છે. આની પાછળનો હેતુ શું...? આવું કેમ..? ખરેખર તો ટ્રાફિક પોલીસ શેના માટે રાખી છે તે કંઈ સમજાતું નથી..? એ ટ્રાફિક નિયમને માટે છે કે, કાયદાનું પાલન કરાવવા છે કે શેના માટે છે એ જણાવો ને...અમને જરા….સરકારી વકીલે જણાવ્યું કે, અમે વાહનો ડિટેઇન કરીએ છીએ, જેથી હાઇકોર્ટે સુણાવ્યું કે, શું ડિટેઈન કરો છો..500માંથી પાંચ વાહનો ડિટેઇન કરો એ શું ડિટેઈન કહેવાય...?? 495 વાહનો તો ચાલે જ છે ને ગેરકાયદે પાર્ક થાય જ છે ને... સરકારના તમામ બચાવને હાઇકોર્ટે ફગાવ્યા હતા.
ટુ વ્હીલર ઉપાડી જાઓ છો.. તો લકઝરી બસો કેમ ઉપાડી જતા નથી..?
હાઇકોર્ટે ટ્રાફિક પોલીસનો ઉધડો લેતાં જણાવ્યું કે, હાઈકોર્ટના હુકમો અને પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં તેનું કેમ પાલન થતુ નથી અને લકઝરી બસો કેવી રીતે શહેરમાં પ્રવેશ કરે છે અને ગેરકાયદે પાર્કિંગ થઈ જાય છે..? ખુદ ચીફ જસ્ટિસનો હુકમ છે છતાં કેમ પાલન તમે કરી શકતા નથી..?? લકઝરી બસો શહેરના માર્ગો પર બ્રિજની નીચે કે ગમે ત્યાં આડેધડ પાર્ક કરી દેવાય છે. જો કોઈ ટુ વ્હીલર લાઈનની સહેજ બહાર નીકળી જાય કે ગમે ત્યાં પાર્ક થઈ જાય તો ઉપાડી જાઓ છો અને દંડો છો તો લક્ઝરી બસો તેમ ઉપાડી જતા નથી અને તેને કેમ દંડ ફટકારતા નથી..? અદાલતને સમજાવો..આની પાછળનું કારણ શું...? આવી ભેદભાવભરી નીતિ કેમ ચાલી રહી છે..? જો કે, સરકારી વકીલને પાસે આનો પણ કંઈ જવાબ ન હતો.
શું માણસના જીવની કોઈ કિંમત નથી..?
હાઈકોર્ટ શહેરના દરેક ચાર રસ્તા, સર્કલ પર ઓટો રીક્ષા, ફોર વ્હીલર(ઓલા- ઉબેર) ના આડેધડ પાર્કિંગ, સીએનજી વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવા સહિતની અનેક ટ્રાફિક સમસ્યાઓને લઈ ગુજરાત હાઈકોર્ટે આજે ટ્રાફિક પોલીસથી માંડી આરટીઓ સત્તાવાળાઓનો પીરીયડ લઈ નાંખ્યો હતો. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે જણાવ્યું કે, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકો બેઠા હોય તો તમે પરમીટ કરો છો..? શું બાળકોના જીવના જોખમને લઈ તમને ગંભીરતા નથી. સ્કૂલ રીક્ષામાં બાળકોની બેગ લટકણીયામાં બહાર લટકતી હોય તેવી પણ ક્યાં મંજૂરી છે..? શુ માણસના જીવની તમારે મન કોઈ કિંમત નથી..?
અમને તમારી ડ્રાઇવમાં રસ નથી, અદાલતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ ના કરો
સરકારી વકીલે બચાવ કર્યો હતો કે, ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવાય છે, જેથી જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે તરત જ તેમના બચાવનું ખંડન કરતાં જણાવ્યું કે, અદાલતને તમારી ડ્રાઈવમાં રસ નથી, કાયદાની જોગવાઈઓનું પાલન થાય તેમાં રસ છે. તમે અદાલતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ ના કરો. હાઈકોર્ટને બતાવવા માટે પંદર દિવસ કરવા ખાતર ડ્રાઈવ ચલાવો છો અને પછી બધુ એનું એ..તમારા પશ્ચિમ ઝોનના ડીસીપી તમારા પોલીસવાળાને એવું કહેતા હતા કે, હાઈકોર્ટે કહ્યું એટલે હમણાં પંદર દિવસ ધ્યાન રાખજો.. તો શુ તમે હાઈકોર્ટને બતાવવા આ બધુ કરો છે અને પછી જેમ ચાલે છે તેમ ચાલવા દેવું છે એમ..? હાઈકોર્ટના હુકમોને તમે ટેકન ફોર ગ્રાંટેડની જેમ લેવા માંગો છો અને નાગરિકોને તમે આ રીતે સેવા આપવા માંગો છો. પ્રજાના જનમાનસ પર તમારી કેવી છાપ જાય છે એ તો જરા વિચારો.