Get The App

૧૨ હજાર કરોડનું બજેટ ધરાવતી AMC ને જીંજર ગ્રામપંચાયતે ૧.૧૫ કરોડનો ટેકસ ભરવા નોટિસ ફટકારી

સામાન્ય કરદાતા પાસેથી મિલકત સીલ કરી ટેકસ વસૂલતા મ્યુનિ.તંત્રે ૨૦૧૮થી જીંજર પંચાયતને ટેકસ ચૂકવ્યો નથી

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
૧૨ હજાર કરોડનું બજેટ ધરાવતી  AMC ને જીંજર ગ્રામપંચાયતે ૧.૧૫ કરોડનો ટેકસ ભરવા નોટિસ ફટકારી 1 - image


અમદાવાદ,ગુરુવાર,30 જાન્યુ,2025

વાર્ષિક રુપિયા ૧૨ હજાર કરોડથી વધુનુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખેડા જિલ્લામાં આવેલી જીંજર ગ્રામ પંચાયતે રુપિયા ૧.૧૫ કરોડથી વધુની રકમનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરવા નોટિસ ફટકારી છે. સામાન્ય કરદાતા પાસેથી ઢોલ-નગારા વગાડીને કે મિલકત સીલ કરી બાકી પ્રોપર્ટી ટેકસની રકમ વસૂલતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે રાસ્કા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા પછી વર્ષ-૨૦૧૮થી જીંજર ગ્રામ પંચાયતને પ્રોપર્ટીટેકસની રકમ ચૂકવી નથી.જીંજર ગ્રામ પંચાયતને મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી ટેકસની રકમ ચાર હપ્તામાં ચૂકવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારોમાં પાણી પુરતા પ્રમાણમાં મળી રહે એ માટે વર્ષ-૨૦૧૦થી રાસ્કા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવેલો છે.રાસ્કા(જીંજર) ખાતે ૩૯,૧૧૩ ચોરસ મીટર જગ્યામાં ૨૦૦ મિલીયન લિટર પર ડે ક્ષમતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામા આવેલો છે.વર્ષ-૨૦૧૮થી વર્ષ-૨૦૨૪-૨૫ સુધીનો રુપિયા ૧.૧૫ કરોડથી વધુની રકમનો પ્રોપર્ટી ટેકસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીંજર ગ્રામ પંચાયતને ચૂકવવામાં નહીં આવતા ગ્રામ પંચાયત તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક બાકી ટેકસની રકમ ચૂકવવા નોટિસ ફટકારી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ ટેકસની રકમ માફ કરવા અંગે રાજય સરકારના ગ્રામ વિકાસ વિભાગ પણ અનેક વખત લેખિત રજૂઆત કરવામા આવી હતી.પરંતુ પંચાયત વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં ૧૫ જૂલાઈ-૨૦૨૪ના રોજ મળેલી બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાનિક સ્વરાજયની સંસ્થા હોવાઉપરાંત મિલકતવેરો વસૂલતી હોવાથી જીંજર ગ્રામ પંચાયતને આપવાપાત્ર થતી પ્રોપર્ટી ટેકસની રકમ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રણ મહીનાના ચાર હપ્તામાં પ્રોપર્ટીટેકસની રકમ જીંજર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ચૂકવી આપશે એમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ હતુ.


Google NewsGoogle News