ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કહ્યું; હરેન પંડ્યા હત્યા કેસના દોષિત અનસ માચીસવાલાને સજા માફી નહીં મળે
Gujarat Govt Rejects Anas Machiswala Mercy Petition : ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાના ચકચારભર્યા કેસમાં 12 દોષિતો પૈકીના એક એવા અનસ માચીસવાલાની સજા માફીની અરજી રાજ્ય સરકારે ફગાવી દીધી છે. બીજી બાજુ, ગુજરાત હાઇકોર્ટે આરોપી અનસ માચીસવાલાના પેરોલ દસ દિવસ માટે વધુ લંબાવી આપ્યા છે.
સરકારના નિર્ણયની હાઇકોર્ટને જાણ કરાઈ
હરેન પંડ્યા હત્યા કેસમાં વર્ષ 2019માં સુપ્રીમકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમાવતાં 12 દોષિત પૈકીના એક અનસ માચીસવાલાએ તેની આજીવન કેદની સજાના ભાગરૂપે જેલમાં 13 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી તેણે સજા માફી આપવા માટે રાજ્ય સરકારમાં અરજી કરી હતી.
આ પણ વાંચોઃ કાયમી OBC કમિશન મુદ્દે હાઇકોર્ટે સરકારનો લીધો ઉધડો; 'જવાબ આપો, નકામી દલીલ ના કરો'
સરકારે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું
જો કે, રાજ્ય સરકાર દ્વારા 21 ઑગસ્ટ 2024ના નિર્ણય મારફતે અનસ માચીસવાલાની સજા માફી અંગેની અરજી ફગાવી દેવાઈ હતી. આ દરમિયાન અનસ માચીસવાલા જેલમાંથી પેરોલ પર છોડવામાં આવ્યો હતો. તેથી તેણે વધુ દસ દિવસ પેરોલ લંબાવવા હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. આ દરમિયાન રાજ્ય સરકારે હાઇકોર્ટનું ધ્યાન દોર્યુ હતું કે, અનસ માચીસવાલાની સજા માફી અંગેની અરજી સરકાર દ્વારા ફગાવી દેવાઈ છે.
આ પણ વાંચોઃ હવે ગુજરાતમાં પ્રથમવાર ATM માંથી 24 કલાક નિકળશે અનાજ, આ જિલ્લાથી કરાઇ શરૂઆત
દસ દિવસ લંબાયા પેરોલ
હાઇકોર્ટે સરકારના આ હુકમને રૅકર્ડ પર લીધો હતો અને બાદમાં માચીસવાલાના પેરાલ વઘુ દસ દિવસ માટે લંબાવ્યા હતા. નોંધનીય છે કે, ગત તા. 26 માર્ચ, 2003ના રોજ ગુજરાતના તત્કાલીન ગૃહપ્રધાન હરેન પંડ્યાની લો ગાર્ડન પાસે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરાઈ હતી. આ કેસમાં 12 દોષિતોને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, હાઇકોર્ટે 2011માં ટ્રાયલ કોર્ટનો હુકમ રદબાતલ ઠરાવી નિર્દોષ છોડી મૂકયા હતા. બાદમાં સુપ્રીમકોર્ટે હાઇકોર્ટના હુકમને પલટી દઈ 12 આરોપીઓની જન્મટીપની સજા કાયમ રાખી હતી.