Get The App

પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચ્યાનો હાર્દિક પટેલનો દાવો, સરકારની હજુ સુધી સત્તાવાર જાહેરાત નહીં

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચ્યાનો હાર્દિક પટેલનો દાવો, સરકારની હજુ સુધી સત્તાવાર જાહેરાત નહીં 1 - image


Hardik Patel: ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતાં. જોકે, હવે 10 વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે.

આ પણ વાંચોઃ પાટીદાર આંદોલન અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, યુવાનો સામેના તમામ ગંભીર કેસ પાછા ખેંચ્યા

હાર્દિક પટેલે સોશિયલ મીડિયા X પર લખ્યું કે, 'ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાઓ પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. હું સમાજની તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરૂ છું'.

પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચ્યાનો હાર્દિક પટેલનો દાવો, સરકારની હજુ સુધી સત્તાવાર જાહેરાત નહીં 2 - image

વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, 'પાટીદાર આંદોલનથી ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે આયોગ-નિગમ બનાવવામાં આવ્યું, 1000 કરોડના યુવા સ્વાવલંબનની યોજના લાગુ થઈ અને દેશમાં આર્થિક આધારે સ્વર્ણોને 10% આરક્ષણનો લાભ મળ્યો છે. 


આ સિવાય પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) કન્વિનર દિનેશ બાંભણિયા દ્વારા પણ આ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા. જેમાં હાર્દિક, દિનેશ, ચિરાગ, અલ્પેશ સહિતને આરોપી બતાવવામાં આવ્યા હતાં. આ તમામના કેસ પરત ખેંચવા માટે ખૂબ-ખૂબ આભાર... સત્યમેવ જયતે... જય સરદાર...

આ મામલે સરકારનું શું કહેવું છે? 

જોકે પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, હજુ સુધી આ અહેવાલની કોઈ પુષ્ટી નથી. અત્યારે સરકાર દ્વારા આ નિર્ણયને લગતો કોઈ સર્ક્યુલર કે પત્ર જાહેર કરાયો નથી. આ મામલે જ્યારે ટોચના અધિકારીઓ અને પોલીસ ઓફિસરનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમના તરફથી પણ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પાટીદાર નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈ આધાર પુરાવા વિના જ આ દાવા કરવામાં આવી રહ્યા છે. 





Google NewsGoogle News