અમદાવાદમાં સૂસવાટાભર્યા પવનથી ઠંડીની તીવ્રતામાં વધારો, નલિયા 11.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી નીચું
અમદાવાદમાં 16.7 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો
અમદાવાદમાં આગામી સપ્તાહે પારો 13 ડિગ્રી સુધી ગગડતાં કાતિલ ઠંડી અનુભવાશે
અમદાવાદ, ગુરુવાર
Gujarat Winter News : ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનું પ્રભુત્વ યથાવત્ રહ્યું છે. નલિયામાં 11.4 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 16.7 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો.
આગામી પાંચ દિવસ ઠંડીનો ચમકારો કેવો રહેવાની શક્યતા
અમદાવવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં ગત રાત્રિએ સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ઠંડીનું તાપમાન ભલે વધારે નોંધાયું હોય પણ સૂસવાટાભર્યા પવનથી શહેરીજનો ધ્રુજી ઉઠ્યા હતા. આગામી પાંચ દિવસ ઠંડીનો ચમકારો કેવો રહેશે તેને લઈને મતમતાંતર છે. હવામાન વિભાગના મતે આગામી એક સપ્તાહમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી સુધી જતાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી સોમવારથી લઘુતમ તાપમાન 13 ડિગ્રી સુધી જઈ શકે છે. ગત રાત્રિએ અન્યત્ર જ્યાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, ભુજ, રાજકોટનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના મતે આગામી 7 દિવસ રાજ્યના લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.
ક્યાં વધારે ઠંડી
શહેર તાપમાન
નલિયા 11.4
ડીસા 14.2
ભુજ 14.5
રાજકોટ 14.6
ગાંધીનગર 15.5
અમરેલી 16.0
વડોદરા 16.2
અમદાવાદ 16.7
કંડલા 17.0
પોરબંદર 17.3
ભાવનગર 17.4
દ્વારકા 18.4
સુરત 21.5