નીતિ આયોગે જ ગુજરાત સરકારની પોલ ખોલી, મેન્ગ્રુવ કવર વધ્યું હોવાના દાવાના ધજાગરા ઉડાવી દીધા

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
mangrove-cover


Life Under Water SDG Score: કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા બહાર પડાયેલા સબસ્ટેન્શિયલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) અંગેના 2023-24ના રીપોર્ટમાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં મેન્ગ્રુવ કવર વધ્યું હોવાના દાવાના ધજાગરા ઉડાવી દીધા છે. ગુજરાત સરકારે ચાર દિવસ પહેલાં જ દાવો કરેલો કે, ગુજરાતમાં 1991માં 397 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મેન્ગ્રુવ જંગલો હતાં જ્યારે 2021માં 1175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મેન્ગ્રુવના જંગલો છે. ગુજરાત સરકારે મેન્ગ્રુવ જંગલ વિસ્તાર વધારીને જોરદાર કામગીરી કરી હોવાનો દાવો કરીને જાતે જ પોતાની પીઠ થાબડી હતી.

રિપોર્ટમાં દાવો પોકળ હોવાનો ઘટસ્ફોટ

નીતિ આયોગના એસડીજી રીપોર્ટ પ્રમાણે, દેશના દરિયાકાંઠે આવેલાં રાજ્યોમાંથી ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં 2020-21ની સરખામણીમાં 2023-24મા મેન્ગ્રુવ જંગલો ઘટ્યા છે. ગુજરાતમાં એસડીજીના બે રીપોર્ટ વચ્ચેના સમયગાળામાં મેન્ગ્રુવ જંગલોના વિસ્તારમાં 0.17 ટકાનો જ ઘટાડો થયો છે પણ રાજ્ય સરકારે આ વાત છૂપાવીને પોતાની વાહવાહી કરાવી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં વધુ એક પૂર્વ અધિકારીના ઘરે દરોડા, વિજિલન્સ શાખાને અનેક દસ્તાવેજો મળ્યા

નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા માપદંડમાં ગુજરાતનો દેખાવ નબળો 

એસડીજીના રીપોર્ટમાં ગુજરાતે બીજા મોરચે પણ સાવ ભોપાળું નોંધાવ્યું છે. નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા કુલ 16 માપદંડમાંથી ગુજરાત માત્ર બે માપદંડમાં દેશમાં શ્રેષ્ઠ દેખાવ કરનારું રાજ્ય છે. બાકીના 14 માપદંડમાં દેશના બીજા રાજ્યો શ્રેષ્ઠ દેખાવ કરીને ટોચનું સ્થાન લઈ ગયા છે.

ગુજરાત એક્વાકલ્ચર વિકાસમાં નિષ્ફળ

ગુજરાત ગુડ હેલ્થ એન્ડ વેલ-બીઈંગ તેમજ પીસ જસ્ટિસ એન્ડ સ્ટ્રોંગ ઈન્સ્ટિટ્યુશન્સ એ બે માપદંડમાં ટોચ પર છે પણ શરમજનક વાત એ છે કે, લાઈફ અંડર વોટર કેટેગરીમાં સાવ તળિયે છે. દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત દરિયાકિનારે વસતાં લોકો અને એક્વાકલ્ચર વિકાસમાં સાવ નિષ્ફળ સાબિત થયું છે. 

પશ્ચિમ બંગાળ પહેલા નંબરે

નીતિ આયોગે લાઈફ અંડર વોટર કેટેગરી હેઠળ દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણીની ગુણવત્તા, મેન્ગ્રુવ કવર, પીએચનું સ્તર, માનવીય પ્રવૃત્તિઓ, એક્વાકલ્ચરના વિકાસ સહિતના માપદંડ નક્કી કર્યા હતા. આ માપદંડોના આધારે 100માંથી માર્કસ અપાયા હતા. 

આ પણ વાંચો: સોમનાથમાં શ્રાવણના શુભારંભ સાથે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, પોણો લાખ લોકોએ દર્શન કર્યા

મમતા બેનરજીનું તૃણમૂલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળ 100માંથી 100 માર્ક્સ મેળવીને પહેલા નંબરે આવ્યું છે જ્યારે ગુજરાતને માત્ર 5 માર્કસ મળ્યા છે. બંગાળ અને ગુજરાત ઉપરાંત આંધ્ર પ્રદેશ, ઓડિશા, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને તમિલનાડુ દેશમાં દરિયાકાંઠે વસેલા રાજ્યો છે. આ તમામ રાજ્યોનો સ્કોર 50થી ઉપર છે જ્યારે ગુજરાત સરકારનો સ્કોર માત્ર 5 છે.

નીતિ આયોગે જ ગુજરાત સરકારની પોલ ખોલી, મેન્ગ્રુવ કવર વધ્યું હોવાના દાવાના ધજાગરા ઉડાવી દીધા 2 - image


Google NewsGoogle News