વિદેશથી પરત મોકલવામાં આવતા ભારતીયોમાં ગુજરાતી ચોથા સ્થાને
પરત મોકલવામાં ગેરકાયદે પ્રવેશ મુખ્ય કારણ
પાંચ વર્ષમાં 1546 ગુજરાતીઓને વિદેશથી પરત મોકલાયા
અમદાવાદ,સોમવાર
છેલ્લા પાંચ વર્ષમાં 1546 ગુજરાતીઓને વિદેશથી પરત મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિદેશથી પરત મોકલાતા ભારતીયોમાં ગુજરાત ચોથા સ્થાને છે.
23906 ભારતીયોને વિદેશથી પરત મોકલાયા
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિઝાની મુદ્દત પૂરી થવા છતાં વસવાટ કરવો, ગેરકાયદે વિદેશ જવું, વિદેશના કાયદાનું ઉલ્લંઘન કરવું જેવા વિવિધ કારણોસર વિદેશથી અન્ય દેશના નાગરિકોને પરત મોકલવામાં આવતા હોય છે. આ પ્રકારના વિવિધ કારણોસર છેલ્લા પાંચ વર્ષમાં વિદેશથી પરત મોકલવામાં આવ્યા હોય તેવા રાજ્યોમાં કેરળ 3636 સાથે મોખરે, ઉત્તર પ્રદેશ 2862 સાથે બીજા, તામિલનાડુ 1854 સાથે ત્રીજા, ગુજરાત ચોથા જ્યારે હરિયાણા 1503 સાથે પાંચમાં સ્થાને છે. સમગ્ર દેશમાંથી પાંચ વર્ષના આ સમયગાળામાં 23906 ભારતીયોને વિદેશથી પરત મોકલાયા છે.
છેલ્લા પાંચ વર્ષમાં 403 ભારતીય વિદ્યાર્થીઓના વિદેશમાં મૃત્યુ
વિદેશથી પરત લાવવા પડે તેવા દેશમાં અમેરિકા-કેનેડા-ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. કોવિડ, યુક્રેન-રશિયા યુદ્ધને કારણે પણ અનેક ભારતીયોને સ્વદેશ પરત લાવવા પડ્યા છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં 403 ભારતીય વિદ્યાર્થીઓના વિદેશમાં મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જેમાં કેનેડામાંથી સૌથી વધુ 91, યુનાઇટેડ કિંગડમમાં 48, રશિયામાં 40 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુનો સમાવેશ થાય છે.