ગુજરાતમાં મેઘમહેર: આ જિલ્લામાં ગાજવીજ સાથે પડશે મધ્યમ વરસાદ, જાણો 12 જુલાઇ સુધી આગાહી

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Rain


Gujarat Weather Update: રાજ્યના દક્ષિણ ભાગોના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે આગામી 8થી 10 જુલાઈ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ ધારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે કચ્છ જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આજે (6 જુલાઈ) વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી સહિતના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહ્યો હતો. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમી ગતિએ વરસાદી માહોલ રહ્યો હતો.

7 જુલાઈએ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ હળવો રહેશે.

8 થી 10 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમધારે વરસાદી માહોલ રહેશે. જ્યારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ઓછા પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

11 અને 12 જુલાઈના દિવસે રાજ્યના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ હળવો રહેશે. આ ઉપરાંત  કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ધીમી ગતિએ વરસાદ પડવાની શક્યતા છે.


Google NewsGoogle News