Get The App

ગુજરાત ક્યારેય નહીં ભૂલે દુષ્કર્મના આ ચકચારી કેસ, જેણે ગુજરાતીઓને હચમચાવી નાંખ્યા

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
ગુજરાત ક્યારેય નહીં ભૂલે દુષ્કર્મના આ ચકચારી કેસ, જેણે ગુજરાતીઓને હચમચાવી નાંખ્યા 1 - image


Rape cases increased in Gujarat : દિલ્હીમાં ચાલુ બસમાં 16 ડિસેમ્બર 2012ની રાત્રે એક યુવતી સાથે ગેંગરેપ થયો અને બાદમાં તેનું મોત થયું. નિર્ભયાકાંડ તરીકે જાણીતી થયેલી એ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા. હવે ગુજરાતના ભરૂચમાં આવેલા ઝઘડિયામાં પણ નિર્ભયા જેવો કાંડ સજાર્યો, જેનાથી નિર્ભયા કાંડની યાદો તાજા થઈ હતી. આ ઉપરાંત 2024માં ભાયલી દુષ્કર્મ કેસ, માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસ, પારડી વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા કેસ, ભરૂચના આમોદમાં 71 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ, કચ્છની દલિત યુવતી સાથે બળાત્કાર અને દાહોદના સિગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યા જેવી અનેક ઘટનાઓ સર્જાઈ, પરંતુ કેટલીક ઘટનાઓ ચર્ચિત બની જ્યારે કેટલાક કેસ દબાઈ ગયા. આજે આવી જ કેટલીક ઘટનાઓ યાદ કરીશું, જેણે ગુજરાતીઓને હચમચાવી દીધા છે. 

ઝઘડિયા રેપ કેસ: ગુજરાતની નિર્ભયા

ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું વિજય પાસવાન નામના આરોપીએ અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું. નિર્ભયા કાંડ જેવી આ ઘટના પણ 16 ડિસેમ્બરે બની હતી, જેણે રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી હતી. આ બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી કારણ કે, આરોપીએ બાળકી સાથે નિર્ભયા જેવી વિકૃતિ આચરી હતી. આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ જવાઈ હતી, જ્યાં તેનું ઓપરેશન કરાયું હતું. જો કે, બાળકીની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડાઈ, જ્યાં 8 દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. 

આ પણ વાંચો: 2024માં ગુજરાત સરકારને લાગ્યું કૌભાંડ-કાંડનું કલંક, ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ભરમાર

ભાયલી દુષ્કર્મ કેસ: 6 હજાર પાનાની ચાર્જશીટ 

વડોદરાના ભાયલીમાં નવરાત્રિના બીજા નોરતે સામૂહિક દુષ્કર્મની આ ઘટનાએ ગુજરાતમાં ચકચાર મચાવી હતી. 4 ઑક્ટોબરે ભાયલીના સીમ વિસ્તારમાં મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું. આ ઘટનામાં બાઇક પર આવેલા પાંચ પૈકી બે આરોપી જતા રહ્યા, પરંતુ ત્રણ લોકોએ બળાત્કાર કર્યો. પોલીસે આ પાંચેયની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે માત્ર 11 દિવસમાં પાંચ આરોપી સામે છ હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. 

ગુજરાત ક્યારેય નહીં ભૂલે દુષ્કર્મના આ ચકચારી કેસ, જેણે ગુજરાતીઓને હચમચાવી નાંખ્યા 2 - image

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસ

સુરત નજીકના માંગરોળના મોટા બોરસરા ગામે આઠમી ઑક્ટોબરે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતાં એક 17 વર્ષીય સગીર યુવતી મિત્ર સાથે સવા અગિયારે પહોંચી. આ યુવતી ગામની સીમમાં બેઠી હતી, ત્યારે અચાનક ત્રણ યુવક આવીને હેરાનગતિ કરવા લાગ્યા. ત્યારે આ યુવતી અને તેના મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પીડિતા ઝડપાઈ ગઈ અને મિત્ર ભાગી ગયો. જો કે, તેઓ સગીરાના મિત્રનો ફોન ઝૂંટવવામાં સફળ થયા હતા. આ લોકોએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા. 

જો કે સગીરાના મિત્રએ ગામમાં જઈને લોકોની મદદ માગી અને સગીરાને જેમ તેમ કરીને હૉસ્પિટલ ખસેડાઈ. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે બે આરોપીની ઓળખ કરી લીધી. એ બંનેને ઝડપી લેવાયા, પરંતુ એક આરોપી ભાગી ગયો. જો કે, થોડા દિવસમાં તેને પણ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. 

આ પણ વાંચો: ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો

પારડી દુષ્કર્મ-હત્યા કેસ: 25 દિવસમાં પાંચ હત્યા

વલસાડ જિલ્લાના પારડીમાં મોતીવાડા વિસ્તારમાં 14 નવેમ્બરે ટ્યુશનેથી ઘરે પરત ફરતી કૉલેજની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેવાઈ. આ ઘટનામાં પોલીસે 10થી વધુ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી. આ તપાસમાં 10 દિવસ બાદ પોલીસને મોટી સફળતા હાથ લાગી. આ ઘટનામાં પોલીસે મૂળ હરિયાણાના રાહુલ સિંહ જાટ નામના આરોપીની ધરપકડ કરી, જેની પૂછપરછમાં 25 જ દિવસમાં થયેલી પાંચ હત્યાનો ભેદ ઉકેલાયો. આ આરોપીએ અન્ય ત્રણ મહિલા સાથે પણ દુષ્કર્મ કર્યાનું કબૂલ કરતાં પોલીસને પણ આઘાત લાગ્યો હતો. રાહુલ સિંહ જાટ નામના આ આરોપી સામે 13થી વધુ ગંભીર ગુના નોંધાયા હતા અને જેલમાં પણ જઈ ચૂક્યો હતો. 

ભરૂચમાં જામીન પર છૂટી એ જ વૃદ્ધા સાથે ફરી દુષ્કર્મ

ભરૂચના આમોદમાં એક 35 વર્ષના યુવકે 71 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું. પોલીસ ફરિયાદ પ્રમાણે, આરોપી શૈલેષ રાઠોડે 71 વર્ષીય વૃદ્ધા સાથે ખેતરમાં દુષ્કર્મ કર્યું. નવાઈની વાત તો એ છે કે, શૈલેષ રાઠોડે દોઢ વર્ષ પહેલાં એ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. વળી, એ જ ગુનામાં તેની સામે પોલીસ ફરિયાદ થઈ હતી અને જામીન પર છૂટીને તેણે એ જ વૃદ્ધા સાથે ફરી દુષ્કર્મ કર્યું. 

દાહોદ તોરણી પ્રાઇમરી સ્કૂલ દુષ્કર્મ-હત્યા કેસ 

દાહોદના પીપળીયા ગામ નજીક આવેલી તોરણી પ્રાઇમરી સ્કૂલમાં ધો. 1ની બાળકી નિત્યક્રમ મુજબ 19મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે સ્કૂલે જવા નીકળી, પરંતુ સ્કૂલનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં ઘરે પરત ના ફરી. પરિવારજનો સ્કૂલે પહોંચ્યા, પરંતુ સ્કૂલને તાળું હોવાથી કેટલાક લોકો દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા, જ્યાં બાળકીની લાશ મળી આવી. આમ, ફૂલ જેવી બાળકીનો મૃતદેહ જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

આ પણ વાંચો: ગુજરાતમાં નકલીની બોલબાલા: મોરબીમાં 3 દિવસમાં 9 બોગસ ડૉક્ટર ઝડપાયા, ડિગ્રી વિનાના દર્દીઓને તપાસતાં

આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં માલુમ પડ્યું કે, સ્કૂલના પ્રિન્સિપાલ ગોવિંદ નટે જ વિદ્યાર્થિનીની હત્યા કરી હતી. આ કેસની તપાસ માટે પણ પોલીસે 10 ટીમો બનાવી હતી, જેમાં શિક્ષકોના પણ નિવેદનો લેવાયા હતા. 

કચ્છમાં ગરબામાંથી પરત ફરતી દલિત યુવતી સાથે દુષ્કર્મ

રાપર તાલુકાના આડેસર ગામમાં 7 ઑક્ટોબરે એક દલિત યુવતી ગરબા રમીને રાત્રે એક વાગ્યે પરત ફરી રહી હતી. આ દરમિયાન તેને રસ્તામાં ચક્કર આવ્યા, તો સંજય નામનો એક યુવક તેને પાણી પીવડાવવાના બહાને નજીકના પેવર બ્લોકના કારખાનામાં લઈ ગયો. આ યુવક-યુવતીને એકલા જોઈને પેવર બ્લોકના કારખાનેદાર પ્રવીણ રાજપૂતે યુવકને બહાર કાઢી મૂક્યો અને યુવતી સાથે દુષ્કર્મ કર્યું. આ ઘટનાએ કચ્છ જ નહીં, સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું.  


Google NewsGoogle News