Get The App

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, 3 દિવસ કમોસમી વરસાદની શક્યતા

Updated: Mar 25th, 2025


Google News
Google News
ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, 3 દિવસ કમોસમી વરસાદની શક્યતા 1 - image


Gujarat Weather: ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં તાપમાન 38-40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં મંગળવારે (25મી માર્ચ) તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (24મી માર્ચ) સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો હતો. બાકીના વિસ્તારમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે હતું. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ તે પછી આ પ્રદેશમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આજે રાજ્યનું તાપમાન 21થી 39 ડિગ્રી વચ્ચે રહેશે.

કમોસમી વરસાદના સંકેત

બીજી તરફ મહારાષ્ટ્રમાં મુંબઈની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે. જેના પગલે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 29મી માર્ચ બાદ રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. જો આ સિસ્ટમમ મજબૂત બનશે તો સૌરાષ્ટ્ર- કચ્છ, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના સંકેત છે.  

30મી માર્ચે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં હવામાન બદલાશે.

આ પણ વાંચો: લગ્ન નોંધણી કૌભાંડ: બગસરામાં કોરોનાના ત્રણ વર્ષમાં ગામ રહેતા પરિવાર કરતાં બમણાં લગ્ન રજિસ્ટર થયાં!

31મી માર્ચ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલ અને ભરૂચ અને કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 

પહેલી એપ્રિલે અમદાવાદ, આણંદ, ખેડા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી અને ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભેજમાં વધારો થવાને કારણે, 25મી માર્ચે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાશે.

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, 3 દિવસ કમોસમી વરસાદની શક્યતા 2 - image

Tags :