ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, મોનસૂન ટ્રફના કારણે આ જિલ્લામાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આજે (નવમી સપ્ટેમ્બર) દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, મોનસુન ટ્રફના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલા ભાગોમાં વરસાદની સંભાવના છે. તેમાં ખાસ કરીને રાજ્યના પૂર્વ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે (નવમી સપ્ટેમ્બર) છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10મી સપ્ટેમ્બરે દાહોદ,અરવલ્લી, નર્મદા મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. જ્યારે 11મી સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં પાંચ વર્ષ બાદ સિઝનનો 100 ટકા વરસાદ, ધોળકામાં સૌથી વધુ, સાણંદમાં સૌથી ઓછો
અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોનસૂન ટ્રફની અસર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓ પર વર્તાશે અને ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ શહેરમાં ખૂબ જ હળવો છુટોછવાયો વરસાદ વરસી શકે છે, તથા શહેરમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનો અનુભવ થાય છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 122 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 129 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 124 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 118 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 106 ટકા વરસાદ નોંધાયો છે.