Get The App

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? અંબાલાલ પટેલે કહ્યું- 'આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે'

Updated: May 30th, 2024

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? અંબાલાલ પટેલે કહ્યું- 'આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે' 1 - image


Weather In Gujarat: રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે હવે રાહતના સમાચાર એ છે કે, કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કોટ્ટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 'આંધી-વંટોળ સાથે પ્રિ-મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં ચોથી જૂન સુધીમાં વરસાદ પડવાની શક્યતા છે.'

આ જિલ્લામાં પ્રિ-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 'વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો, જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, કચ્છમાં ગાજવીજ સાથે પ્રિ-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે.'

હવામાન વિભાગે આગાહી કરી હતી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ બુધવારે (29 મે, 2024) જણાવ્યું હતું કે, 'આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે.' ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 15મી મેના રોજ કેરળમાં 31મી મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. મે મહિનાના અંતથી ગુજરાતને અડીને આવેલા મુંબઈમાં પ્રિ-મોન્સૂન વરસાદ શરૂ થઈ શકે છે. જ્યારે જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઈના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યના લોકોને ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. જો કે જૂનના બીજા અઠવાડિયામાં રાજ્યમાં ચોમાસું પહોંચી શકે છે.

ચોમાસાના વહેલા આગમનનું કારણ શું છે?

હવામાન વિજ્ઞાનીઓના  જણાવ્યાનુસાર, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો છે, જે  પૂર્વોત્તરમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં પ્રવેશે છે, જ્યારે તે થોડા દિવસો પછી ઉત્તર-પૂર્વમાં આવે છે અને પાંચમી જૂન સુધીમાં દેશના મોટાભાગને આવરી લે છે.

Tags :