Get The App

અમદાવાદમાં કાલે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ, કાળઝાળ ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં કરાઈ વ્યવસ્થા

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં કાલે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ, કાળઝાળ ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં કરાઈ વ્યવસ્થા 1 - image


Gujarat Vs Delhi Match In Ahmedabad : ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં ભયંકર લૂ ફેંકાઈ રહી છે આ વચ્ચે આગામી દિવસોમાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાવાની શક્યતા છે. ત્યારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલ શનિવારે (19 એપ્રિલ, 2025) બપોરે રમાનારી ગુજરાત ટાઈટન્સ વિ. દિલ્હી કેપિટલ્સ મેચમાં ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં જ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગુજરાત ટાઇટન્સ તમામ સન-ફેસિંગ સ્ટેન્ડ્સમાં પંખાઓ સાથે થંડક આપતી મિસ્ટ ફેન, સન સ્ક્રીન અને સન વાઈઝર આપીને ચાહકોને સુવિધા અપાશે. આ સાથે બધા ક્રિકેટ રસિકો માટે સ્ટેડિયમમાં મફત પીવાનું પાણી, ORS અને મોબાઇલ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ મેચ રમાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં ઉમટ્યા હતા. આ દિવસે તાપમાન પણ ખુબ વધારે હતું. જેને લઈને ગરમીના કારણે 300થી વધુ લોકો ચક્કર ખાઈને બેભાન થઈ ગયા હતા. જોકે, 108 ઈમરજન્સીની ટીમ અને સ્ટેડિયમમાં હાજર ડોક્ટરોની ટીમે તાત્કાલિક દર્દીઓને સારવાર પૂરી પાડી હતી. ત્યારે હવે આ વખતે, દર્શકો માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં અત્યારસુધી ત્રણ મેચ રમાઈ

IPL 2025માં અત્યાર સુધીના છ મેચમાં 10 પોઈન્ટ સાથે દિલ્હી કેપિટલ્સ ટોચ સ્થાને છે. બીજી બાજુ, ગુજરાત ટાઇટન્સ 8 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ગુજરાત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે પણ 8 પોઈન્ટ હાંસલ કર્યા છે. આ સીઝનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 25 માર્ચે ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ, 29 માર્ચે ગુજરાત ટાઈટન્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ અને 09 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ વિ. રાજસ્થાન રોયલ એમ ત્રણ IPL 2025ના મુકાબલાઓ યોજાઈ ચૂક્યા છે. જેમાંથી ગુજરાતે બે જીતી છે. ગુજરાતે પોતાની સીઝનનો પ્રારંભ પંજાબ કિંગ્સ સામે 11 રનની ટૂંકી હારથી કર્યો હતો, ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ સામે 36 રનથી અને રાજસ્થાન રોયલ્સ સામે 58 રનથી જીત મેળવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, રાત્રે પરત ફરવા ખાસ પેપર ટિકિટ અપાશે

આ મેચ અમદાવાદમાં રમાશે

- 19 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. દિલ્હી કેપિટલ્સ

- 2 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ

- 14 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. લખનઉ સુપર જાયન્ટ્સ

- 18 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ

Tags :