ગુજરાત યુનિવર્સિટીનો છબરડો:S.Y.B.COMના પેપરમાં ઈન્ટરનલ ઓપ્શનલ નહીં આપતાં વિદ્યાર્થીઓ ગભરાયા
વિદ્યાર્થીઓએ સુપરવાઈઝરને કહેતાં જ કુલપતિનું ધ્યાન દોરાયું અને અડધો કલાક બાદ ઈન્ટરનલ ઓપ્શનલ અપાયા
હજારો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરનાર સામે કાર્યવાહી થશે કે ભીનું સંકેલાશે?
IMAGE- GUJARAT UNIVERSITY WEBSITE |
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 18મી એપ્રિલે S.Y.B.COMનું ચોથા સેમેસ્ટરનું ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ એન્ડ પબ્લિક ફાઈનાન્સના પેપરમાં મોટા છબરડા બહાર આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પેપર સ્ટાઈલ પ્રમાણે 14 માર્ક્સના એક એવા ચાર પ્રશ્નો પુછવામાં આવે છે. આ ચારેય પ્રશ્નોની સાથે તેના ઈન્ટર્નલ ઓપ્શનલ (અથવા) આપવાનો નિયમ છે. છતાં પેપર કાઢનારની કે અન્ય કોઈ વ્યક્તિની ભૂલના કારણે ચારેય પ્રશ્નોમાંથી ઈન્ટરનલ ઓપ્શનલ નહીં આપવાના કારણે હજારો વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી. પરંતુ પેપર શરૂ થયાના અડધા કલાક પછી તંત્રનું ધ્યાન દોરાતા કુલપતિની ચેમ્બરમાંથી ફોન કરીને ઈન્ટરનલ ઓપ્શનલ લખાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વર્ગખંડના નિરીક્ષકો હેરાન પરેશાન થઈ ગયા હતાં.
સવાલો ફરજિયાત હોવાનું પણ લખવામાં આવ્યું
વિદ્યાર્થીઓમાં પણ મળેલા પેપરમાં ઈન્ટરનલ ઓપ્શનલ નહીં હોવાથી તણાવ જેવી સ્થિતિ થવા પામી હતી. પરીક્ષા શરૂ થતાં જ પેપર હાથમાં આવતાં જ વિદ્યાર્થીઓના હોશ ઉડી ગયાં હતાં. પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા સવાલો ફરજિયાત હોવાનું પણ લખવામાં આવ્યું હતું. આ પેપરમાં આવા છબરડા કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે તે બાબતે શિક્ષણ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓમાં પણ સમગ્ર ગુજરાતની આ સૌથી મોટી યુનિવર્સિટીમાં આ પ્રકારના છબરડા થતા અનેક સવાલો ઉભા થયાં છે.
તરત કુલપતિનું ધ્યાન દોરવામાં આવ્યું હતું
હાલમાં સમગ્ર ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે. બીજી બાજુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ડમી કાંડ ગાજ્યો છે. ત્યારે યુનિવર્સિટીની પરીક્ષામાં પણ આટલો મોટો છબરડો બહાર આવતાં વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ પેદા થયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં 18મી એપ્રિલે S.Y.B.COMનું ચોથા સેમેસ્ટરનું ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ એન્ડ પબ્લિક ફાઈનાન્સનું પેપર હતું. આ પેપર વિદ્યાર્થીઓના હાથમાં આવતાં જ તેઓ ચોંકી ગયાં હતાં. તેમણે પેપર સ્ટાઈલ મુજબ પેપર નહીં હોવાથી તાત્કાલિક સુપરવાઈઝરનું ધ્યાન દોરતાં દોડાદોડ થઈ ગઈ હતી અને તરત કુલપતિનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને વધારાનો સમય પણ ના આપ્યો
ત્યાર બાદ અડધો કલાક બાદ કુલપતિની ચેમ્બરમાંથી જે તે કોલેજોમાં ઈન્ટર્નલ ઓબ્શનલ પ્રશ્નોનો મેસેજ કરવામાં આવ્યો હતો. કોલેજોમાં સુપરવાઈઝરોએ પેપરમાં સુધારો કરાવીને વિદ્યાર્થીઓને ઈન્ટર્નલ ઓબ્શનના પ્રશ્નો આપ્યા હતાં. પરંતુ આ દરમિયાન સમયનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓએ પણ પોતાની આવડત પ્રમાણે પેપર લખ્યું હતું. સુપરવાઈઝરને કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પાછળથી જે પ્રશ્નો મળ્યાં તે અમને આવડતાં હતાં પરંતુ હવે સમયનો અભાવ હોવાથી અમે લખી શક્યા નથી. આટલો મોટો છબરડો થયો હોવા છતાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને પેપર લખવા માટે વધુ સમય પણ નહોતો આપ્યો. આ માહિતી મળી ત્યાં સુધી એક કોલેજમાં આ પ્રકારની કામગીરી થઈ હતી પરંતુ બીજી કોલેજોમાં પ્રશ્નો પહોંચ્યા હશે કે નહીં તે બાબતે સવાલો ઉભા થઈ રહ્યાં છે. યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાનો અનેક વખત ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થયો નહોતો.