Get The App

પાવર ઓફ એટર્નીમાં ખોટી સહી કરીને મેમનગરની જમીન હડપ કર્યાની ફરિયાદ

એફએલએલના રિપોર્ટમાં સહી અને અગુંઠાનું નિશાન બનાવટી હોવાનું સામે આવ્યું

ગુજરાત યુનિવર્સિટી પોલીસે થલતેજમાં રહેતા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધ્યો જમીન કૌભાંડમાં અન્ય આરોપીઓના નામના ખુલાસા થવાની શક્યતા

Updated: Apr 2nd, 2025


Google News
Google News
પાવર ઓફ એટર્નીમાં ખોટી સહી કરીને મેમનગરની જમીન હડપ કર્યાની ફરિયાદ 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ જમીનના મુળ માલિકની જાણ બહાર બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરીને બોગસ સહી અને અંગુઠાનું નિશાન કર્યા બાદ પાવર ઓફ એટર્નીને આધારે કરોડોની જમીન હડપ કર્યા અંગેની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપીની સાથે અન્ય મોટા માથાની સંડોવણી બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.


ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં આવેલા અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતા રઘુનાથસિંહ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમણે  વર્ષ ૨૦૦૨માં તેમના કૌટુબિક ભાઇ જયદીપસિંહ વાઘેલા (સર્વેશ્વર સોસાયટી, થલતેજ) પાસેથી મેમનગરમાં આવેલી જમીનની ખરીદી કરી હતી.  જે જમીનની ખરીદીના વિવાદમાં અગાઉ જયદીપસિંહે રઘુનાથસિંહ વિરૂદ્ધ  ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં રજૂ કરેલા દસ્તાવેજમાં ૨૦૧૩માં તૈયાર કરેલી પાવર ઓફ એટર્ની રજૂ કરી હતી. આ પાવર ઓફ એટર્નીમાં રઘુનાથસિંહની ખોટી સહી અને અંગુઠાનું નિશાન હતું. આ પાવર ઓફ એટર્ની ૨૦૨૦માં જયદીપસિંહે તેના નામે દસ્તાવેજ કરાવ્યો હતો પણ પુરતી સ્ટેમ્પ ડયુટી ભરતા દસ્તાવેજ કેન્સલ થયો હતો. ત્યારબાદ ૨૦૨૩માં જયદીસિંહે ફરીથી પુરી સ્ટેમ્પ ડયુટી ભરીને દસ્તાવેજ પોતાના નામે કરી લીધો હતો.

એટલું જ નહી  દસ્તાવેજ અનુસંધાનમાં ૧૩૫ (ડી)ની નોેટીસ અંગે રઘુનાથસિંહ સુધી પહોંચે નહી તે માટે દસ્તાવેજમાં વેચાણ આપનારમાં રઘુનાથસિંહના સરનામા તરીકે હરીઓમ પાર્ક સોસાયટી, જીવન ભારતી સર્કલ થલતેજનો ઉલ્લેખ હતો. જે સરનામુ હકીકતમાં જયદીપસિંહ વાઘેલાના મોટાભાઇ રાજેન્દ્રસિંહ વાઘેલાના નામનું હતું. પંરતુ, રાજેન્દ્રસિંહ તેમના દીકરા સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતા હોવાથી નોટીસ અંગે તેમને જાણ ન થાય તે રીતે કાવતરૂ ઘડાયું હતું.

આમ, આ મામલે રઘુનાથસિંહે સીટમાં પાવર ઓફ એટર્નીમાં તેમની સહી અને અંગુઠાના નિશાનની ખરાઇ કરાવવા માટે રજૂઆત કરી હતી. જે અનુસંધાનમાં ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં પણ તેમની સહી અને અંગુઠાનુ નિશાન નકલી હતી.  આમ, જમીન હડપ કરવા અંગે મોટુ કૌભાંડ સામે આવતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે જયદીપસિંહ વિરૂદ્ધ ગુનો નોંધીને  તપાસ શરૂ કરી છે.

જયદીપસિંહે બોગસ દસ્તાવેજથી અનેક જમીનોમાં વિવાદ ઉભા કર્યા 


 સુત્રોના જણાવ્યા મુજબ આરોપી જયદીપસિંહ વાઘેલાએ જમીન હડપ કરવામાં અગાઉ પણ અનેક ખેડૂતોની જાણ બહાર બોગસ દસ્તાવેજથી વિવાદ ઉભા કરીને સેટલમેન્ટના નામે મોટા પ્રમાણમાં નાણાં પડાવ્યાની માહિતી પોલીસને મળી છે. જે અનુસંધાનમાં કેટલાંક ખેડૂતો દ્વારા આગામી સમયમાં ફરિયાદ નોંધાવવાાં આવે તેવી શક્યતાઓ છે.


Tags :