Get The App

ગુજરાતના 11 અનોખા 'પોલિંગ બુથ', કોઈ જંગલમાં તો કોઈ ટાપુમાં, ચૂંટણી સ્ટાફની થાય છે અગ્નિપરીક્ષા!

જંગલ વિસ્તાર અને દરિયામાં આવેલા દ્વીપમાં ત્રણ થી ચાર મતદાન મથકનો સંપર્ક વાયરલેસ સેટથી કરવો પડે છે

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
ગુજરાતના 11 અનોખા 'પોલિંગ બુથ', કોઈ જંગલમાં તો કોઈ ટાપુમાં, ચૂંટણી સ્ટાફની થાય છે અગ્નિપરીક્ષા! 1 - image


Lok Sabha Elections 2024 | ગુજરાતમાં એવરી વોટ કાઉન્ટન્ટ્સના અભિગમ સાથે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પરિવહનના અભાવે પહોંચવું મુશ્કેલ છે ત્યાં મતદાન કરવા માટે પોલિંગ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં 11 વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્યના ચૂંટણી પંચે તૈયાર કરેલા આ બુથમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ બેટમાં બેસીને બુથ પર પહોંચે છે. ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં સંદેશા વ્યવહારના કોઈ સાધનો પહોંચતા નથી, માત્ર વાયરલેસ સેટથી સંપર્ક થાય છે.

અતિ વિશિષ્ટ એવા 11 મતદાન મથકો...

બાણેજ : ગીર સોમનાથના ઉનાનું બાણેજ પોલિંગ બુથ એવું છે કે જ્યાં મહંત હરિદાસ નિવાસ કરે છે. તેઓ ભગવાન શંકરના પુજારી છે. એક મત માટે 2007થી મથક બનાવવામાં આવેલું છે. મંદિરની નજીક ફોરેસ્ટ ઓફિસમાં બુથ બનાવાયું છે. 

ગુજરાતના 11 અનોખા 'પોલિંગ બુથ', કોઈ જંગલમાં તો કોઈ ટાપુમાં, ચૂંટણી સ્ટાફની થાય છે અગ્નિપરીક્ષા! 2 - image

સાપ નેસ બિલિયા :  ઉનામાં આવેલું આ બીજું મથક એવું છે કે જ્યાં ગીરની અંદર નાનો નેસ આવેલો છે, જેમાં 2007થી 23 પુરૂષ અને 19 મહિલા મળીને કુલ 42 મતદારો માટે ખાસ તંબુમાં બુથ ઊભું કરાયું છે.

માધુપુર-જાંબુર : ગીર સોમનાથના તલાલા મતવિસ્તારમાં આવેલી આ જગ્યાએ 14 અને 17મી સદી દરમિયાન ભારતમાં આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ રહે છે. 3515 મતદારો માટે આ જગ્યાએ મતદાન મથક ઊભું કરવામાં આવેલું છે.

ગુજરાતના 11 અનોખા 'પોલિંગ બુથ', કોઈ જંગલમાં તો કોઈ ટાપુમાં, ચૂંટણી સ્ટાફની થાય છે અગ્નિપરીક્ષા! 3 - image

શિયાળબેટ ટાપુ : અમરેલી જિલ્લામાં અરબી સમુદ્રમાં આવેલો નાનો ટાપુ છે. આ જગ્યાએ 832 મકાનો છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. ચૂંટણી સાથે સંકળાયેલા 50 અધિકારી ત્યાં પહોંચે છે. આ ટાપુ પર 5048 મતદારો હોવાથી પાંચ બુથ ઊભા કરવામાં આવલાં છે.

રાઠડા બેટ : મહીસાગરના સંતરામપુરમાં આવેલો આ બેટ કડાણા ડેમના જળાશય વિસ્તારમાં છે, જ્યાં 381 પુરૂષ અને 344 મહિલા મળીને કુલ 725 મતદારો છે. ચૂંટણી પંચે બેટ પર છ બુથ બનાવ્યા છે. પૉલિંગ સ્ટાફ બોટ મારફતે મુસાફરી કરે છે.

ગુજરાતના 11 અનોખા 'પોલિંગ બુથ', કોઈ જંગલમાં તો કોઈ ટાપુમાં, ચૂંટણી સ્ટાફની થાય છે અગ્નિપરીક્ષા! 4 - image

ચોપડી : ડેડિયાપાડામાં ગાઢ જંગલ અને આદિવાસી વસતી ધરાવતો આ પર્વતીય વિસ્તાર છે. માત્ર 134 મતદાર માટે બુથ બનાવવામાં આવ્યું છે. પહાડી પ્રદેશો અને જંગલથી ઘેરાયેલી આ જગ્યા છે. 

સાતવિરડા નેસ : પોરબંદરમાં બરડા પર્વતમાળાના જંગલ વિસ્તારમાં ત્રણ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં સાતવિરડા નેસમાં 883, ભૂખબરા નેસમાં 634 અને ખારાવીરા નેસમાં 787 મતદારો છે. પ્રતિબંધિત જંગલ વિસ્તારમા આ બુથ હોવાથી વહીવટી તંત્ર દ્વારા એએમએફ અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયાર કરવામાં આવતી હોય છે. સંદેશા વ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.

આલિયાબેટ :  ભરૂચના વાગરા તાલુકામાં આવેલી આ જગ્યાએ 136 પુરૂષ અને 118 મહિલા મળીને કુલ 254 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં બુથ ઊભું કરવામાં આવેલું છે.

ગુજરાતના 11 અનોખા 'પોલિંગ બુથ', કોઈ જંગલમાં તો કોઈ ટાપુમાં, ચૂંટણી સ્ટાફની થાય છે અગ્નિપરીક્ષા! 5 - image

અજાડ ટાપુ : ખંભાળિયામાં આવેલી આ જગ્યા દરિયા કિનારાથી 10 કિલોમીટર દૂર છે. 40 મતદારો માટે તંબૂમાં બુથ તૈયાર કરવામાં આવ્યું છે. કિલેશ્વર નેસ-ખંભાળિયામાં આવેલું આ સ્થળ બરડા પર્વતના ઉંડા જંગલમાં છે. ૫૧૬ મતદારો માટે બુથ ઊભું કરવામાં આવે છે. આ બુથનો સંપર્ક કરવાનું એકમાત્ર સાધન વાયરલેસ સેટ છે.

કનકાઈ : વિસાવદર મતવિસ્તારમાં ઉંડા જંગલ વિસ્તારમાં ૧૨૧ મતદારો માટે મતદાન મથક ઊભું કરવામાં આવે છે. અહીં સંદેશ વ્યવહારનું એકમાત્ર સાધન વાયરલેસ છે. 


Google NewsGoogle News