કોંગ્રેસના બે પૂર્વ MLA તું-તારી, ગાળાગાળી પર ઉતર્યા, રાષ્ટ્રીય અધિવેશન પૂર્વે જૂથવાદ ચરમસીમાએ
Gujarat Congress: અમદાવાદમાં કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યુ છે, ત્યારે કોંગ્રેસે પૂરજોશમાં તૈયારી આદરી છે. એકબાજુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં લોકસભાની ચૂંટણીના ખર્ચ મુદ્દે કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો સામસામે આવ્યા હતાં. એટલું જ નહીં, બંને નેતાઓ વચ્ચે ગાળાગાળી થઈ હતી. પ્રદેશના કોંગ્રેસના નેતાઓની હાજરીમાં બબાલ થઈ હતી.
આ પણ વાંચોઃ પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ?
ચૂંટણીખર્ચ મામલે કોંગ્રેસ નેતાઓમાં બબાલ
એકબાજું હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસમાં જડમૂળમાં સુધારો લાવવા મથામણ કરી રહ્યુ છે, ત્યારે બીજી તરફ, કોંગ્રેસમાં હજુય જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તા. 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગે સહિત રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે. આ અધિવેશનની તૈયારીના ભાગરુપે વિવિધ કમિટીઓની બેઠકનો દોર ચાલી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં બેઠક ચાલી રહી હતી ત્યારે લોકસભાની ચૂંટણીના ખર્ચનો હિસાબ બાકી છે તે મુદ્દે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ભરત મકવાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગ્યાસુદીન શેખે બાકી નાણાંની ઉઘરાણી કરતાં મામલો બિચક્યો હતો. વાત આટલેથી અટકી ન હતી. બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી. ઝઘડો વઘુ ઉગ્ર બનતાં બેઠકમાં ઉપસ્થિત કોંગ્રેસના નેતાઓએ મામલો થાળે પાડ્યો હતો. આમ, અધિવેશનની બેઠકમાં જ કોંગ્રેસના નેતાઓની આંતરિક જૂથવાદના દર્શન થયા હતાં.
કોંગ્રેસના નેતાઓ વિરૂદ્ધ સોશિયલ મિડીયામાં યુદ્ધ છેડાયું
રાષ્ટ્રીય અધિવેશન પહેલાં જ કોંગ્રેસમાં નેતાઓ સામે સોશિયલ મિડીયામાં જાણે યુદ્ધ છેડાઈ ગયું છે. ફેસબુક, વોટ્સએપમાં એવો ઉભરો ઠાલવવામાં આવ્યો છે કે, આરટીઆઈના નામે તોડબાજી કરતાં કોંગ્રેસના નેતાઓને વિવિધ કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભાજપના કાર્યકરોના ટોળાએ પથ્થરમારો કર્યો તે ઘટનામાં કોંગ્રેસના કાર્યકરો જેલમાં ધકેલાયાં જ્યારે એક નેતાએ ભાજપની બી ટીમની ભૂમિકા અદા કરી. સમગ્ર પ્રકરણમાં સમાધાન કરી લીઘું તેનું FIRમાં નામ સુઘ્ધાં ન હતું. આમ, આ લગ્નના ઘોડાઓ જ કોંગ્રેસને હરાવવાની ભૂમિકા ભજવી રહ્યાં છે. ભાજપના નેતાઓ સાથે વેપાર ધંધો કરીને વેલસેટ થયાં છે. પક્ષની ઘોર ખોદી રહ્યાં છે ત્યારે રાહુલ ગાંધી ભાજપની બી ટીમને ક્યારે અલવિદા કરશે. તે સવાલ ઉઠ્યો છે.