ગુજરાતમાં હચમચાવતી ઘટના, ટેન્કર ડ્રાઈવરનું અપહરણ, 3 દિવસ ગોંધી રાખી માર્યો, મોઢામાં લઘુશંકા કરી
Image : free pic (representative image) |
Nasvadi: નસવાડી નજીક આવેલા જય નારાયણ પેટ્રોલપંપના ટેન્કરના ડ્રાઇવરનું અપહરણ કરી ગોંધી રાખી તેને 3 દિવસ સુધી તાલિબાની સજા આપી હતી. ડ્રાઇવરના મોઢામાં અપરહરણ કરનાર ત્રણ આરોપીઓએ લધુશંકા કરી હતી અને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો. બે દિવસથી મહિલાઓ અને ગ્રામજનો નસવાડી પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં ધક્કો ખાધા બાદ આખરે પોલીસે ગુનો નોંઘ્યો હતો.
ડ્રાઇવર પર ચોરીનો આક્ષેપ લગાવીને પુરી દીધો
નસવાડી નજીક નારાયણ પેટ્રોલપંપ ઉપર તરબદા ધવલ હસમુખભાઈ (રહે.ઝરવાણ, મંદિર ફળિયું, તા.સંખેડા) ટેન્કર ઉપર ડ્રાઇવિંગ કરતો હતો. તારીખ 7ના રોજ વડોદરા મંજુસર જી.આઈ.ડી.સી.માંથી પેટ્રોલ ભરી પરત નસવાડી આવતા ડ્રાઇવરને પેટ્રોલપંપનો માલિક પોતાની ઓફિસમાં બોલાવી ડ્રાઇવર પર રૂપિયા 15 લાખની કિંમતના પેટ્રોલ અને ડીઝલની ચોરીનો આક્ષેપ લગાવીને તેને પેટ્રોલપંપની ઓફિસમાં પુરી દીધો હતો.
ડ્રાઇવરને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો
એક દિવસ પછી ભૂરા રંગની ગાડીમાં ડ્રાઇવરને જબરજસ્તી બેસાડીને બોડેલી તાલુકાના તાડકાછલા ખાતે નારાયણ જીનમાં લઇ ગયેલ અને એક રૂમમાં પુરી હરિકુમાર નારાયણ કંડાણી, ધીરજભાઈ કંડાણી, સુરેશભાઈ કંડાણી, પોપટભાઈ કંડાણી (તમામ રહે.બોડેલી) ડ્રાઇવરને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો અને ત્રણ દિવસ સુધી જમવાનું અનેં પાણી આપ્યું ના હતું. અપહરણ કરનારાઓ આટલેથી અટક્યા ન હતા અને ત્રણેએ ભેગા મળી ડ્રાઇવરના મોઢામાં લધુશંકા કરી પીવડાવ્યું હતું.
ડ્રાઈવરના પરિવાર પાસે ખંડણી માગી
અપહરણ કરનારાઓએ માર મારીને રૂપિયા 15 લાખ તેના પરિવાર પાસે ફોન કરીને માંગ્યા હતાં. ખંડણી માંગ્યા બાદ પણ તેને પૈસા ના આવ્યા ત્યાં સુધી માર મારતા સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને થતા તેઓ તેને શોધવા લાગ્યા હતા જયારે સમગ્ર મામલો નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ અપહરણ કરનારાઓ ડ્રાઇવરને પોલીસ સ્ટેશન લાવતા મહિલાઓ અને ગ્રામજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતાં.
આ પણ વાંચો : ગુજરાતમાં 2.49 લાખ યુવાનોને નોકરીના ફાંફા
આખા પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો
ડ્રાઇવરની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર માટે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો હતો. આ અંગે આખરે પોલીસે ફરિયાદ નોંધી હતી. પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓમાં બોડેલીના કપડાંના વેપારી, જીનના માલિકો અને પેટ્રોલપંપના માલિકો છે નસવાડી ખાતે ગુનો નોંધાતા આખા પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.