સુરેન્દ્રનગરમાં ફિલ્મી સ્ટાઇલમાં 3 રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, કાયદો અને વ્યવસ્થા કથળી
Surendranagar News: કથિત સુરક્ષિત ગણાતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાણે માળિયે ચઢાવી દેવામાં આવી હોય તેવી સ્થિતિ સામે આવી છે. સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ચકચારી મચી ગઈ હતી. પાન પાર્લરના માલિક પર અજાણ્યા શખસો દ્વારા એકાએક ખુલ્લે આમ ફાયરિંગ થતાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો થઈ રહ્યાં છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના મુખ્ય બજારમાં મયુર પાન પાર્લર આવેલું છે. મંગળવારે મોડી રાત્રે પાંચથી વધુ શખસો પાન પાર્લર પર આવ્યા અને પાર્લરના માલિક જીતુ ગોહિલ પર ફાયરિંગ શરૂ કરી દીધું. ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં જીતુ ગોહિલને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ફટાકડાની બાબતે કરી હત્યા
મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર, દિવાળી દરમિયાન ફટાકડા ખરીદ્યા હતાં, જેના પૈસા આપવામાં ન હતા આવ્યા. જેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી. જીતુએ આ લોકોને કહ્યું કે, ભાઈ તું ફટાકડા લઈ ગયો હતો તો તેના પૈસા આપી દે. બસ આટલી નાનકડી વાતમાં વનરાજ ખાચર સહિતના પાંચ લોકો દ્વારા જીતુ પર ફાયરિંગ કરી તેની હત્યા કરવામાં આવી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની ફરિયાદ મળતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરી છે. હાલ, પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓની તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આરોપીને ઝડપી પાડવા માટે ડીએસપી ની નીચે LCB અને SOG ની ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પહેલાં પણ બની હતી આવી ઘટના
નોંધનીય છે કે, આ પહેલાં પણ સુરેન્દ્રનગરના જ લખતર તાલુકાના ધણાદ ગામે ચાર અજાણ્યા શખ્સોએ યુવક પર ફાયરિંગની ઘટના બની હતી. ધ્રાંગધ્રાથી યુવક પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ચાર શખ્સોએ યુવક સાથે બોલચાલી કરી , દેશી તમંચા વડે ફાયરિંગ કરતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર દરમિયાન જ ફાયરિંગનો બનાવ બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ આ મામલે તપાસ કરી આરોપીઓને શોધી રહી છે.
રાજ્યની સુરક્ષા પર મોટો પ્રશ્ન
એવામાં પ્રશ્ન થાય છે કે, કથિત સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? શું ગુજરાતમાં પણ હવે અન્ય રાજ્યોની જેમ ખુલ્લેઆમ ફાયરિંગ અને હત્યાની ઘટનાઓ બનશે? દેશભરમાં ગુજરાતને સુરક્ષિત રાજ્ય તરીકે બિરદાવવામાં આવે છે તો આવા અસામાજિક તત્વોને જાહેરમાં ફાયરિંગ અને હત્યાની હિંમત ક્યાંથી આવે છે? જો આવા જ બનાવ બનતાં રહેશે અને કોઈ કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકો ઘરની બહાર નીકળતાં પણ સો વાર વિચાર કરશે, એવામાં સુરક્ષિત રાજ્યની વાતો ખાલી નિવેદનો પૂરતી જ રહી જશે કે કેમ?