સુરતમાં 2000 કરોડની સરકારી જમીન ગણોતિયાના નામે કરી બિલ્ડરને વેચવાનું કૌભાંડ
Gujarat Surat Dumas land Scam : સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકારી જમીન પર ખેતી કરનારને ગણોતધારાની કલમ 4 હેઠળ જમીનને માલિકી મળતી ન હોવા છતાં જમીનની માલિકી તબદિલ કરવામાં આવેલી છે.
ગણોતિયાને માલિક બનાવવાનું કોઈપણ પ્રકારનું પ્રશુપત્ર પણ ઈશ્યૂ કરવામાં નું આવ્યું હોવા છતાં ગણોતિયાને નામે જમીન ચઢાવી દેવામાં આવી છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજિલન્સ કમિશન, ગાંધીનગરના મહેસૂલ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને પણ એક ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદ મળતા ગુજરાત સરકારે તત્કાલિન જિલ્લાકલેક્ટર આયુષ ઓકે કરેલા હુકમ સામે મનાઈ ફરમાવી દીધી છે. આ મુદ્દે મહેસુલ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી મહેસૂલ વિભાગ દ્વારા આવતીકાલે આ કેસની સુનાવણી હાથ ધરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કૌભાંડમાં મોટા ભૂમાફિયા અને રાજકારણીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરવાની સત્તા વાસ્તવમાં મહેસૂલ અધિકારીના હાથમાં હોય છે. જમીનમાં નાખ દાખલ કરતાં પૂર્વ અધિકારીએ કારણદર્શક નોટિસ ઈશ્યૂ કરવાની વિધિ પણ ન કરી હોવાનું બહાર આવ્યું છે. તેમ જ ધારાધોરણો પ્રમાણે પુરાવાઓ લીધા વિના જ ગણોતિયાને નામે સરવે નંબર 311-3ની જમીન ચઢાવી દેવામાં આવી છે.
ત્યારબાદ 2005ની સાલમાં રાજેન્દ્ર શાહ, ધર્મેન્દ્ર શાહ અને સુગમચંદ શાહને નામે જમીન ચઢાવી દેવામાં આવી હતી. નિયમ મુજબ સરકારી જમીન પર ગણોતિયાનું નામ નહીં. ગણોતધારાની કલમ 4માં જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ બીજાની જમીન ખેડતો હોય તો તેને ગણોતિયા તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. પરંતુ સરકારી જમીનમાં ખેતી કરવાથી ગણોતિયો બની જાય તે અંગેનો કોઈ જ ઉલ્લેખ કલમ ૪માં કરવામાં આવેલો નથી. પરંતુ સરકારી જમીન પચાવી પાડવા માટે જ કલમ-4નો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણોતિયા ધારાની કલમનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે. કલેક્ટર આયુષ ઓકે બદલી થવાના એક દિવસ પહેલા ફાઈલને મંજૂર કરી દઈ કૌભાંડ આચર્યું હોવાનું માનવામાં આવે છે.
સુરત ભાજપના મોટા માથાની સંડોવણી આ કૌભાંડમાં હોવાની ચર્ચા
આ કૌભાંડ અંગે કોગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે જમીનને બિનખેતીની કરાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ કાર્યવાહી કરી ત્યારે પ્રાંત અધિકારીની તપાસ દરમિયાન જમીન સરકારની માલિકીની હોવાનું જાણવા મળ્યું. ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી તે પછી 2015માં પણ સિટી પ્રાંતે આપેલા જમીનના રિપોર્ટમાં જમીન સરકારી માલિકીની હોવાનું અને ખોટી રીતે ગણોતિયાના નામે ચઢાવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારે મહેસૂલ વિભાગની આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરાવવાનો આદેશ આપી દીધો છે. સુરત ભાજપના મોટા માથાની સંડોવણી આ કૌભાંડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગણોતિયા તરીકે પ્રસ્થાપિત કરતો ઓર્ડર ગુમ થઈ ગયો
કૃષ્ણમુખલાલને ગણોતિયા તરીકે પ્રસ્થાપિત કરતો મામલતદારનો કે પછી કૃષિ પંચનોં કોઈ ઓર્ડર જ રેકોર્ડ પર નથી. આમ ગણોતધારની કલમ 32-2માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ મામલતદાર તરીકે ગણોતિયાને જમીન માલિક બનાવવાનું કોઈ જ નોટિફિકેશન ઈશ્યૂ કરવામાં આવેલું નથી. છતાં કૃષ્ણમુખલાલના નામે જમીન ચઢાવી સરકારી જમીન હડપ કરી લેવામાં આવી છે. તત્કાલન કલેક્ટર આયુથ આકે બદલીના બે દિવસ અગાઉ જ ગમોતિયાનોના નામ દાખલ કરવાનો હુકમેં કર્યો હતો. ગણોતધારાની કલમ 32-જી હેઠળ જમીનની માલિકી તબદિલ કરવા માટે જમા કરાવવાની થતી રકમ પણ જમા કરાવવામાં આવેલી નથી. જમીનના માલિકે સરકારને કોઈ જ રકમની ચૂકવણી પણ કરી નથી. આ સંજોગમાં તત્કાલીન કલેક્ટરને તત્કાળ સસ્પેન્ડ કરવાની પણ માગણી કરવામાં આવી છે. તેમ જ આ કેસમાં તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની માગણી કરવામાં આવી છે.