Get The App

ગુજરાતમાં 4,488 શિક્ષકોને રૂ.64 લાખનો દંડ : બોર્ડના પેપરમાં માર્ક્સની ખોટી ગણતરી કરી હતી, એક ભૂલ બદલ 100 રૂપિયાનો દંડ

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 4,488 શિક્ષકોને રૂ.64 લાખનો દંડ : બોર્ડના પેપરમાં માર્ક્સની ખોટી ગણતરી કરી હતી, એક ભૂલ બદલ 100 રૂપિયાનો દંડ 1 - image


Gujarat Board paper Re-Check : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના વિદ્યાર્થી માટે દરેક માર્ક્સ મહત્વના હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગણિતના શિક્ષકો દ્વારા જ માર્ક્સની ખોટી ગણતરી કરવામાં આવી હતી. જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. ધો. 10 ગુજરાત બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થીને ગણિતમાં ધાર્યા કરતાં ઓછા માર્ક્સ આવ્યા હતા, વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થયો હતો. જેથી તેણે પેપર રિએસેસમેન્ટ માટે અરજી કરી હતી, જેમાં તેના 30 માર્ક્સ વધ્યા હતા. જોકે, અનેક વિદ્યાર્થીઓએ બોર્ડમાં આ બાબતે ફરિયાદ કરી હતી, આ ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે માર્ક્સની ગણતરીમાં ભૂલ કરનારા અને ખોટા માર્ક્સ આપનારા 4,488 શિક્ષકોને દંડ ફટકાર્યો છે. ભૂલ કરનારા શિક્ષકોમાં 100થી વધુ શિક્ષકો એવા છે જેમણે 10 કે તેથી વધુ માર્કસની ભૂલો કરી હતી, અને આમાં મોટાભાગના ગણિતના શિક્ષકો હતા.

4,488 શિક્ષકોને 64 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આ મામલે મોટા એક્શન લેવાયા છે. બોર્ડે કુલ 4,488 શિક્ષકોને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં માર્ક્સ આપવામાં ભૂલ કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભૂલોના કારણે 4,488 શિક્ષકોને 64 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. જે શિક્ષકોથી ભૂલ થઈ હતી તેઓ ખુદ ગણિત ભણાવે છે, જે ચિંતાનો વિષય છે. ભૂલ કરનારા શિક્ષકોમાં 100થી વધુ શિક્ષકો એવા છે જેમણે 10 કે તેથી વધુ માર્ક્સની ભૂલો કરી હતી. ઉચ્ચ અભ્યાસનો આધાર બનનારી પરીક્ષાના પેપરના માર્ક્સ અંગે થયેલી ભૂલને લઈને ઘણા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. જ્યારે 

GSEBના વાઇસ ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, 'આ દંડ એ સુનિશ્ચિત કરવા માટે વસૂલવામાં આવે છે કે શિક્ષકો માર્કિંગ પ્રક્રિયામાં સતર્ક રહે. શિક્ષકો માર્કિંગ પ્રક્રિયામાં સતર્ક રહે તેની ખાતરી કરવા માટે દંડ વસૂલવામાં આવે છે. આ વર્ષે, ગુજરાતમાં અંદાજે 40,000 થી 45,000 શિક્ષકો ધોરણ 10ની ઉત્તરવહીઓનું ગ્રેડિંગ કરવામાં સામેલ હતા.'

એક માર્કની દરેક ભૂલ બદલ શિક્ષકોને 100 રૂપિયાનો દંડ

ગુજરાત હાયર સેકન્ડરી ટીચર્સ એસોસિયેશનના પ્રમુખ ભરત પટેલે જણાવ્યું હતું કે, '30 માર્ક્સની આ ભૂલ ગણિતના શિક્ષકના કારણે થઈ હતી, જેઓ એક માર્કસ પણ વધારે આપતા નથી. જ્યારે વિદ્યાર્થી વિષયમાં નાપાસ થયો અને પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી ત્યારે આ ભૂલ પકડાઈ હતી. એક માર્કની દરેક ભૂલ બદલ શિક્ષકોને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલ મળીને ધોરણ-10ના પેપર ચેકર્સ તરીકે કામ કરનારા 1,654 શિક્ષકોને ભૂલો બદલ સામૂહિક રીતે રૂ.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પેપર તપાસવામાં ભૂલ કરનારા 1404 શિક્ષકો પાસેથી 24.31 લાખ અને  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિજ્ઞાન વિષયમાં ભૂલ કરનારા 1,430 શિક્ષકો પાસેથી 19.66 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. શિક્ષકો પર દંડ લગાવ્યા બાદ ગણિત અને વિજ્ઞાનના પેપરમાં મળેલા માર્ક્સનું રિએસેસમેન્ટ કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હતો.'

શિક્ષણ સંઘના પ્રમુખે શિક્ષકોની ભૂલ અંગે શું કહ્યું?

ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, 'શિક્ષકો દ્વારા કરવામાં આવતી કેટલીક સામાન્ય ભૂલોમાં માર્ક્સની ગણતરી કર્યા પછી માર્ક્સને આગળ ન લઈ જવા, ચોક્કસ જવાબોના માર્કસની અવગણના અને અડધા માર્કસને રાઉન્ડ ન કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.'

શિક્ષકોની ભૂલોએ વિદ્યાર્થીઓની મુશ્કેલી વધારી

શિક્ષકોની આ ભૂલોએ વિદ્યાર્થીઓ માટે સમસ્યા ઊભી કરે છે, કારણ કે ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના પરિણામો પર આધારિત છે. ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન જેવા હાઈ સ્કોર ધરાવતા વિષયોમાં હજારો વિદ્યાર્થીઓ તેમના માર્ક્સ સુધારવાની આશામાં પેપરના પુનઃમૂલ્યાંકન માટે અરજી કરે છે.


Google NewsGoogle News