OPRSમાં ગુજરાત દેશમાં પહેલા સ્થાને: એસ.ટી બસમાં રોજ 75 હજારથી વધુ ઓનલાઇન ટિકિટ બુકિંગ
Gujarat ST: ભારતના તમામ રાજ્યના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ(OPRS)નો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ મેળવી છે. સમગ્ર ભારતમાં દૈનિક 75 હજારથી વધુ ઓનલાઇન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પહેલા સ્થાને છે.
છેલ્લા બે વર્ષમાં 4 કરોડથી વધુ ઓનલાઇન ટિકિટ બુક
રાજ્યમાં વર્ષ 2010થી ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરુઆત કરાઈ હતી. ત્યારે છેલ્લા 2 વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઇન ટિકિટો બુક કરીને એસ.ટી નિગમને કુલ 1,036 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઇ હાઇવે પર બે ટ્રક અને ત્રણ કાર વચ્ચે અકસ્માત, ક્રેઇન બોલાવી વાહનો ખસેડ્યા
એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓને ધ્યાને લઈને વર્ષ 2010થી ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરુઆત કરાવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2011થી માસ્ટર ફ્રેન્ચાઇઝીના કરાર થકી મુસાફરો Abhibus, પેટીએમ જેવી ઍપ્લિકેશન મારફતે પણ ઓનલાઇન એસ.ટી બસની ટિકિટ બુકિંગ કરાવી શકે છે. નિગમ દ્વારા દિવ્યાંગ મુસાફરો સરળતાથી બુકિંગ કરી શકે તે માટે દિવ્યાંગ બુકિંગનું વેબ-મોબાઇલ ઍપ્લિકેશનમાં અલગથી પણ વિકલ્પ આપવામાં આવ્યો છે.
એસ.ટી નિગમે તબક્કાવાર મુસાફરોની સુવિધાઓમાં વધારો કર્યો
ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરુઆત કર્યા પછી એસ.ટી નિગમે તબક્કાવાર મુસાફરોની સુવિધાઓમાં વધારો કર્યો છે, જેમાં વર્ષ 2015માં એન્ડ્રોઇડ અને iOS મોબાઇલ ઍપ્લિકેશન (GSRTC Official) લોન્ચ કરી હતી. મુસાફરો મોબાઇલ-વેબ ઍપ્લિકેશન www.gsrtc.in મારફતે બુક કરાવેલી ટિકિટોનું રિશિડ્યુલ, કેન્સલેશન તેમજ PNR સ્ટેટ્સ વગેરે સરળતાથી જાણી શકે તે માટે તમામ વિકલ્પો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: 'ફ્લાવર શૉ 2025'નો આજથી પ્રારંભ, QR કોડ સ્કેન કરીને ફૂલ-સ્કલ્પચરની ઓડિયોમાં મળશે માહિતી
આ ઍપ્લિકેશન દ્વારા મુસાફરો તેમની મુસાફરીની ટિકિટ 60 દિવસ અગાઉ બુક કરાવી શકશે. જો મુસાફરીમાં કોઈ ફેરફાર થાય તો તે સમયે ટિકિટની રિશિડ્યુલની સુવિધા વિનામૂલ્યે મુસાફરોને નિગમ દ્વારા આપવામાં આવે છે. જે સ્થળે નિગમનું બસ સ્ટેન્ડ કે બુકિંગ કાઉન્ટર ન હોય તેવા સ્થળે મુસાફરો બુકિંગનો લાભ લઈ શકે તે માટે નિગમ દ્વારા બુકિંગ એન્જસી આપવામાં આવી છે, જેમાં નિગમ ખાતે 205 બુકિંગ એજન્ટ કાર્યરત છે.
અંતરિયાળ ગામોમાં એસ.ટી વિભાગનો પનો પડે છે ટૂંકો?
ગુજરાત વિવિધ ક્ષેત્રમાં નામના મેળવે તે દરેક ગુજરાતીને ગમે, પરંતુ કેટલીક બાબતે એસટી નિગમની કમી ઊડીને આંખે વળગે છે. એસ.ટી વિભાગ વિવિધ સેવાઓ આપે છે અને ખાસ કરીને તેનો લાભ શહેરી વિસ્તારોને વધુ થતો હોય છે. પરંતુ એ પણ હકીકત છે કે અનેક અંતરિયાળ ગામો સુધી એસ.ટીની સેવાઓ યોગ્ય રીતે પહોંચી નથી. આ સાથે સલામત સવારીના દાવા કરતું એસ.ટી નિગમ ખાસ આદમીની સાથે આમ આદમીનો પણ વિચાર કરે તે પણ એટલું જ જરૂરી છે.