ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ પૂરો, સૌથી વધુ વલસાડમાં 99 ઈંચ, 4 દિવસમાં 25% વરસ્યો
Gujarat Rain And Weather Updates | ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં મેઘરાજાએ સપાટો બોલાવતા સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઈ ચૂક્યો છે. ઓગસ્ટ સુધી રાજ્યમાં 26.62 ઈંચ સાથે સિઝનનો 76.57 ટકા વરસાદ હતો. જ્યારે 27 ઓગસ્ટ સવાર સુધીમાં 34.76 ઈંચ સાથે ૧૦૦ ટકા વરસાદ વરસ્યો હતો. સિઝનના 100 ટકા વરસાદ માટે ગત વર્ષે 19 સપ્ટેમ્બર 2 સુધી રાહ જોવી પડી હતી. રાજ્યના 16 જિલ્લામાં 100 ટકાથી વધુ જ્યારે 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 22.29 ઈંચ સાથે સૌથી વધુ 116.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 63.55 ઈંચ સાથે 108.20 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 29.49 ઈંચ સાથે સિઝનનો 101.52 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ હવે માત્ર 1.25 ટકા દૂર છે. ઉત્તર ગુજરાતમાં 23 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ વરસ્યો છે.
જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 99 ઈંચ, નવસારીમાં 89.37 ઈંચ જ્યારે ડાંગમાં 82.42 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્યત્ર જ્યાં ૫૦ ઈંચથી વધુ વરસાદ પડયો હોય તેમાં સુરત, તાપી, જૂનાગઢ, દ્વારકાનો સમાવેશ થાય છે. તાલુકા પ્રમાણે નવસારીના ખેરગામમાં સૌથી વધુ 121.44 ઈંચ, વલસાડના કપરાડામાં 117.71 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં હાલ સૌથી ઓછો 68.55 ટકા વરસાદ નોંધાયો છે.
અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો સરેરાશ 22.16 ઈંચ સાથે 83.10 ટકા વરસાદ પડયો છે. અમદાવાદ શહેરમાં 30.39 ઈંચ સાથે 94ટકા વરસાદ નોંધાયેલો છે. 24 ઓગસ્ટ સુધીમાં અમદાવાદ શહેરમાં 60 ટકા અને અમદાવાદ જિલ્લામાં 52 ટકા વરસાદ હતો.