રાજકોટ અગ્નિકાંડ: બે મૃતકના મૃતદેહો પરિજનોને સોંપાયા, અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું
Rajkot Game Zone Fire | રાજકોટ અગ્નિકાંડમાં બધા મૃતકોની ઓળખ હજુ જાહેર થઈ નથી ત્યારે મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ સૌની વચ્ચે બે મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજકોટ અગ્નિકાંડમાં 32 જેટલાં લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે. જ્યારે આજે સવારે જ સર્ચ ઓપરેશન પૂરું થયા બાદ બે પોટલાં ભરીને મૃતદેહો રિકવર કરવામાં આવ્યા હતા.
વહેલી સવારે નીકળી અંતિમ યાત્રા
માહિતી અનુસાર ડીએનએ સેમ્પલિંગ મેચ થયા બાદ ગોંડલના સત્યપાલ સિંહ જાડેજાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં જ 15 દિવસ પહેલાં જ નોકરીએ જોડાયેલા સુનીલ ભાઈ સિધપરાનું પણ ડીએનએ ટેસ્ટ મેચ થઇ જતાં તેમના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો.
બંને પરિવારોમાં માતમ પ્રસર્યો
ઉલ્લેખનીય છે કે સત્યપાલ સિંહ જાડેજાની અંતિમયાત્રા વહેલી સવારે જ નીકળી હતી. આખું ગામ તેની અંતિમ યાત્રામાં જોડાયું હતું. ચારેકોર માતમ પ્રસરી ગયું હતું. લોકોની આંખો ભીની જ દેખાતી હતી. જ્યારે સુનીલભાઈની વાત કરીએ તો ગેમ ઝોનમાં જ્યારે આગની ઘટના બની હતી ત્યારે તેઓ ઘટનાસ્થળે હાજર જ હતા. તેમણે ઘણાં લોકોને બચાવવા પ્રયાસ કર્યા અને છેવટે પોતાનો જીવ ગુમાવી દીધો. તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.