Get The App

'ગરીબ હોય તો બુલડોઝર ફેરવાય, ધનિકોનો વારો આવે તો...' રાજકોટ અગ્નિકાંડ મુદ્દે શક્તિસિંહ ભડક્યાં

Updated: May 27th, 2024


Google NewsGoogle News
'ગરીબ હોય તો બુલડોઝર ફેરવાય, ધનિકોનો વારો આવે તો...' રાજકોટ અગ્નિકાંડ મુદ્દે શક્તિસિંહ ભડક્યાં 1 - image


Rajkot Game Zone Fire | રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ વતી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ મેદાને ઉતરી આવ્યા હતા અને તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતાં સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારો પડકાર છે કે તેઓ આ ઘટના જાતે નિર્ણય કરે અને પીડિતોને સારામાં સારું વળતર આપે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. લીપાથોપી બંધ કરવી જોઈએ. માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી કરો. જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. 

ગરીબ હોય તો બુલડોઝર... 

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહે કહ્યું કે જ્યારે પણ ધનિકો સામે કાર્યવાહી કરવાનો વારો આવે છે તો સરકાર કે પોલીસ દ્વારા ઢીલું વલણ અપનાવવામાં આવે છે. જ્યારે ગરીબ વ્યક્તિ દ્વારા કોઈ ઝૂંપડું બાંધે કે પછી નાનકડો ઓટલો પણ બાંધવામાં આવે તો મહાનગરપાલિકાઓ દ્વારા બુલડોઝર જેવી કાર્યવાહીઓ કરવામાં આવે છે. પણ જ્યારે ધનિકો દ્વારા લોકોના જીવ સાથે ખિલવાડ કરવામાં આવે તો કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી. 

છડે ચોક ધંધો ચાલી રહ્યો હતો છતાં... 

તેમણે કહ્યું કે છડે ચોક આ ધંધો ચાલી રહ્યો હતો. ફાયર સેફ્ટી જેવા પગલા પણ ન લેવાયા. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં. આ રાજકોટ મહાનગરપાલિકાનું નબળું વલણ દર્શાવે છે. હપ્તારાજને કારણે જ આવી ઘટનાઓ બની રહી છે. ઉલ્લેખનીય છે કે એવી ચર્ચા છે કે આ ગેમ ઝોનનું બાંધકામ ગેરકાયદે જગ્યા પર કરવામાં આવ્યો હતો. આ ગેમ ઝોન કોઈપણ પ્રકારની જરૂરી સરકારી મંજૂરીઓ લીધા વિના જ ચાલી રહ્યું હોવાનો પણ દાવો કરાયો છે. શક્તિસિંહે પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા, સુરત જેવા શહેરોમાં પણ બનેલી મોટી દુર્ઘટનાઓનો ઉલ્લેખ કરતાં ભાજપ સરકારને ઘેરી હતી. 

ગુજરાત સરકારને ઘેરી 

શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદના માધ્યમથી રાજ્ય સરકાર પર પ્રચંડ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાંથી સરકારે બોધપાઠ લેવાની જરૂર છે. સરકાર ફક્ત મોટી માછલીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગેમ ઝોનનું પાપ છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટમાં હપ્તારાજ ચાલે છે. નાના અધિકારીઓને ફસાવીને મોટા અધિકારીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. 

'ગરીબ હોય તો બુલડોઝર ફેરવાય, ધનિકોનો વારો આવે તો...' રાજકોટ અગ્નિકાંડ મુદ્દે શક્તિસિંહ ભડક્યાં 2 - image


Google NewsGoogle News