રાજકોટના TRP ગેમ ઝોનની આગની ઘટનાના વીડિયો અને તસવીરો, માલિકો-સંચાલકોના નામ સામે આવ્યા
Rajkot Fire : રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટના ચોંકાવનારા વીડિયો અને તસવીરો સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવાય છે કે, આમાં મોટા ભાગના બાળકોનો મોત થયા છે. હાલ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. આ દરમિયાન તમામ મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે કેટલાકને બચાવી લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ ભીષણ આગમાં કમોતે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવા ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
ગેમ ઝોનનો માલિક યુવરાજ સિંહ ફરાર, ચારની અટકાયત
TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે. જો કે આ ઘટના પછી યુવરાજ સિંહ સોલંકી ફરાર થઈ ગયો છે. જો કે ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે અગ્નિકાંડ મુદ્દે ચાર લોકોની અટકાયત કરી છે.
આગ દુર્ઘટના અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી
આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'X'પર પોસ્ટ કરીને લખ્યું 'રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે મહા નગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવાની પણ સૂચના અપાઈ છે.'
પરિમલ નથવાણીએ સંવેદના વ્યક્ત કરી
રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ રાજકોટની દુઃખદ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘રાજકોટમાં TRP ગેમ્સ ઝોનમાં આગની દુ:ખદ ઘટનાથી ખૂબ જ દુઃખ થયું. તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. સત્તાધીશોને કડક કાર્યવાહી કરવા વિનંતી.’
ઘટના સ્થળે અનેક ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સો દોડાવાઈ
રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું કે, ‘ટીઆરપી ગેમિંગ ઝોનમાં બપોરે આગ લાગી હતી. બચાવ કામગીરી ચાલુ છે. આગ કાબૂમાં છે. અમે શક્ય તેટલા મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં લગભગ 20 મૃતદેહો બહાર કઢાયા છે.’
ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગના ધૂમાળાના ગોટા દૂર દૂર સુધી દેખાયા
.