રાજકોટ અગ્નિકાંડઃ મૃતકોના પરિજનોને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય, તપાસ માટે SIT રચાઈ
Rajkot Fire : રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
આગમાં 24ના મોત, જેમાં મોટાભાગના બાળકો
દરમિયાન આજે TRP ગેમ ઝોન બપોરના સમયે ભીષણ આગ લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું કહેવાય છે કે, આમાં મોટાભાગના બાળકોના મોત થયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના જણાવ્યા મુજબ આ ગેમ ઝોનનો માલીક યુવરાજ જાડેજા હોવાનું જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે, કોઈના પણ મૃતદેહ ઓળખી શકાય તેમ ન હોય ડીએનએ તપાસ બાદ જ ઓળખ થશે.
ગેમ ઝોનનો 30-40નો સ્ટાફ ત્યાંથી ફરાર
બીજીતરફ દુર્ઘટનાને પગલે ગેમ સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયો છે, ટીઆરપી ગેમઝોનના જગ્યાના માલિક યુવરાજ જાડેજા હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે. જો કે તેને જગ્યા ભાડે આપી હતી. હાલમાં રાજકોટના તમામ ગેમઝોન બંધ કરવા આદેશ અપાય છે. ફાયર સેફ્ટી સહિતના તમામ બાબતે તમામ ગેમઝોનની તપાસ થશે. અત્યાર સુધીમાં 24 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ ઉપરાંત એવા અહેવાલો સામે આવ્યા છે કે, ઘટના બાદ ગેમ ઝોનનો 30થી 40 જણાનો સ્ટાફ ત્યાંથી ફરાર થઈ ગયો છે.
મોટા ભાગના મૃતકો ગોંડલના, તમામને રાજકોટ સિવિલ લવાયા
ગેમ ઝોનની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા તમામ મૃતકો ગોંડલના હોવાનું કહેવાય છે. આ દરમિયાન કુલ 24 મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે, આ મૃતકોમાં મોટા ભાગના બાળકો હોવાનું કહેવાય છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
નાના મવા રોડ પરના TRP ગેમ ઝોનમાં અચાનક આગ લાગી હતી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.’ બીજી તરફ, ફોરેન્સિક ટીમ પણ ગેમ ઝોનની તપાસ કરવા પહોંચી છે.
રાજકોટના TRP ગેમ ઝોનની આગની ઘટનાના વીડિયો અને તસવીરો, માલિકો-સંચાલકોના નામ સામે આવ્યા, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો