Get The App

ખેલૈયાઓ માટે ખુશ ખબર, આ જિલ્લાઓ સિવાય સમગ્ર ગુજરાતમાં આજે મેઘરાજા નહીં કરે હેરાન

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
Weather forecast for Navratri 2024


Weather forecast for Navratri 2024: નવરાત્રિનો આજ(ત્રીજી ઑક્ટોબર)થી પ્રારંભ થઈ રહ્યો છે, ખેલૈયાઓને મનમૂકી ગરબે ઘૂમવાની ઇચ્છા છે. પરંતુ ક્યાંકને ક્યાંક વરસાદ પડશે તેનો ડર પણ સતાવતો હશે. પરંતુ હવામાન વિભાગે ખેલૈયાઓની ચિંતા દૂર થાય તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. એમાં પણ ખાસ કરીને નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં છૂટોછવાયો અને હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. એટલે કે બાકીના જિલ્લાના લોકોને પહેલા નોરતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.  

અમદાવાદમાં હળવા ઝાપટાની શક્યતા


હવામાન વિભાગ અનુસાર,અમદાવાદમાં આજે સાંજે 6થી 8 દરમિયાન હળવા ઝાપટા પડી શકે છે. જો કે, રાહતની વાત એ છે કે અમદાવાદમાં નવરાત્રિમાં બાકીના દિવસો દરમિયાન વરસાદની કોઈ જ સંભાવના નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.

આ પણ વાંચો: નવરાત્રિમાં બહાર જવાનો પ્લાન હોય તો માંડી વાળજો, આ ટ્રેનો રદ કરાઇ, 69 ટ્રેન ડાયવર્ટ, જુઓ યાદી

ત્રીજી ઑક્ટોબરથી સાતમી ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે.

ખેલૈયાઓ માટે ખુશ ખબર, આ જિલ્લાઓ સિવાય સમગ્ર ગુજરાતમાં આજે મેઘરાજા નહીં કરે હેરાન 2 - image

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં પાંચમી ઑક્ટોબરના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. 5થી 22મી ઑક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.

ખેલૈયાઓ માટે ખુશ ખબર, આ જિલ્લાઓ સિવાય સમગ્ર ગુજરાતમાં આજે મેઘરાજા નહીં કરે હેરાન 3 - image



Google NewsGoogle News