સુરેન્દ્રનગર-વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ, અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાતાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain Update: ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીના બગસરામાં 3.22 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2.48 ઇંચ, ખંભાળિયામાં 2.16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. વઢવાણ, પાટડી, ચોટીલા અને લખતર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે વડોદરા, અમદાવાદ, સુરત સહિતના અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો: હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ અનુસાર, મધ્ય અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સર્જાયું છે. જે આગામી 24 કલાકમાં નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. આ ડિપ્રેશન ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતને હાલ પૂરતો કોઈ ખતરો નથી. પરંતુ દરિયામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતાના ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં 15મી ઑક્ટોબરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અમુક સ્થળોએ અને છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 16મી અને 17મી ઑક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.