ગુજરાત પર મેઘરાજા મહેરબાન, છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ, કડીમાં સૌથી વધુ 5 ઈંચ
Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે. રાજ્યના વિવિધ ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો.
જાણો ક્યાં કેટલો વરસાદ પડયો
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા અનુસાર, કડીમાં 132 મિ. મી., ઈડરમાં 82 મિ. મી., હાંસોટમાં 49 મિ. મી., નેત્રંગમાં 49 મિ. મી., જોટાણામાં 43 મિ. મી., પ્રાંતિજમાં 41 મિ. મી., ભિલોડામાં 38 મિ. મી., વિજાપુરમાં 33 મિ. મી., માણસામાં 32 મિ. મી., હિંમતનગરમાં 31 મિ. મી., પાલનપુરમાં 27 મિ. મી., દેત્રોજ-રામપુરામાં 25 મિ. મી. જેટલો વરસાદ નોંધાયો છે. કુલ 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિબાગની આગાહી અનુસાર, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ સહિતમાં હળવાથી મઘ્યમ વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ પડશે, હવામાન વિભાગની નવી આગાહી
જુલાઈના પહેલા અઠવાડિયામાં ચોમાસાનું જોર વધ્યું
જૂનમાં ચોમાસની ગતિ ધીમી પડી ગઈ હતી. જો કે જુલાઈના પહેલા અઠવાડિયામાં જ ચોમાસાનું જોર વધ્યું છે. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાત સહિત 11 રાજ્યોને લઈને ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ભીષણ ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર પ્રદેશમાં આ અઠવાડિયે ધોધમાર વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.