ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, 24 કલાકમાં 233 તાલુકા ભીંજાયા, આ જિલ્લામાં ઍલર્ટ જાહેર
Gujarat Rain Update: ભાદરવો ભરપૂર ઉક્તિ સાર્થક ઠરી રહી હોય તેમ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં 5.45 ઇંચ, જૂનાગઢમાં 4.80 ઇંચ, સુરતના ઉમરપાડામાં 4.60 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 4.48 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (28મી સપ્ટેમ્બર) નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: 'રાજકોટના બંને મ્યુનિ.કમિશનર જાહેરમાં માફી માગે..', ગુજરાત હાઈકોર્ટના જજ કેમ ગુસ્સે થયા?
અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર,રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે, 3થી 5 ઑક્ટોબર વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે.