ખેલૈયા માટે ખુશખબર: ચોમાસાની વિદાય નજીક, જાણો આગામી 5 દિવસ કેવો રહેશે માહોલ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
ખેલૈયા માટે ખુશખબર: ચોમાસાની વિદાય નજીક, જાણો આગામી 5 દિવસ કેવો રહેશે માહોલ 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 94 તાલુકામાં મેઘમહેર થઈ છે. આ દરમિયાન ખુશીની વાત એ છે કે, પાંચમી ઑક્ટોબરથી ચોમાસું વિધિવત વિદાય લેતું હોવાથી નવરાત્રિમાં ખેલૈયાઓ આ વખતે મન મૂકીને ગરબે ઘૂમશે. નોંધનીય છે કે, ત્રીજી ઑક્ટોબરથી નવરાત્રિ શરુ થઈ રહી છે જેને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં પાંચમી ઑક્ટોબરે ચોમાસું વિધિવત વિદાય લેશે. પરંતુ બંગાળની ખાડી પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં આગામી 5 દિવસ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે 3 દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, ત્રીજી ઑક્ટોબરથી નવરાત્રિ શરુ થઈ રહી છે, જ્યારે પાંચમી ઑક્ટોબરથી ચોમાસું વિધિવત વિદાય લેતું હોવાથી ગુજરાત આ વખતે મન મૂકીને ગરબે ઘૂમશે.

આ પણ વાંચો: લોકડાયરામાં ચલણી નોટો વરસાદ, કોંગ્રેસ-ભાજપના નેતાઓએ એકબીજા પર રૂપિયા ઉડાવ્યા


હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે અને આ ચોમાસાના વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હશે. બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બની રહી છે. જેને કારણે 24મીથી 30મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. જ્યારે 25મીથી 26મી સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે.

વલસાડના પારડીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4.8 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વાપીમાં 2.5 ઇંચ, વાંસદામાં 2.2 ઇંચ, મોરવા(હડફ)માં 1.7 ઇંચ, ડોલવણમાં 1.7 ઇંચ, વઘઈમાં 1.5 ઇંચ, વ્યારામાં 1.4 ઇંચ, ગોધરામાં 1.3 ઇંચ, વડોદરામાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે.

ચોમાસાની સિઝનનો અંદાજિત 125.07 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો અંદાજિત 125.07 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.37 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 107.66 ટકા વરસાદ નોંધાયો છે.

ખેલૈયા માટે ખુશખબર: ચોમાસાની વિદાય નજીક, જાણો આગામી 5 દિવસ કેવો રહેશે માહોલ 2 - image


Google NewsGoogle News