Get The App

Gujarat Weather News: ચોમાસાએ આળસ મરડી, ગુજરાતે હજુ 3-4 દિવસ જોવી પડશે રાહ, જુઓ ક્યાં અટવાયું

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Gujarat Rain Update


Gujarat Rain Update: ગુજરાતના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ આગાહી અનુસાર, આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસું આગળ વધી શકે છે. કારણ કે ચોમાસું હજુ પણ નવસારીમાં અટવાયેલું છે. 

કેરલ અને પૂર્વોત્તર ભારતમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી બાદ દસ દિવસમાં ગુજરાતના કાંઠા નજીક પહોંચી ગયા બાદ નવસારી પાસે સુસ્ત થઈને અટકી ગયું  છે. આજે દસ દિવસે ચોમાસાએ આળસ મરડી હતી અને તે ગુજરાત ભણી તો નહીં પરંતુ, છત્તીસગઢ, મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર અને ઓડીશામાં ધીમી ગતિએ આગળ વધ્યું હતું. મૌસમ વિભાગે દસ દિવસ બાદ ગુજરાતનો ઉલ્લેખ કર્યો છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં તે ત્રણ-ચાર દિવસમાં આગળ વધે તેવી સંભાવના જણાવી છે. 

આ જિલ્લામાં વરસાદ પડી શકે છે

આજે (21મી જૂન) સવારે છોટાઉદેપુરના ક્વાંટ અને વાપીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. બીજી તરફ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, વડોદરામાં વરસાદ પડી શકે છે. 

સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ વધે તેવી સંભાવના

ખેડૂતો જો વહેલો સાર્વત્રિક વરસાદ વરસે તો ભીમ અગિયારસે મોટાપાયે વાવણી કરતા હોય છે પરંતુ, આ વર્ષે આજ સુધીમાં માત્ર 23 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ થયો છે, ૯૦થી વધુ તાલુકાઓ તો સાવ કોરા છે અને જ્યાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો તે પણ સાર્વત્રિક નથી. ખેતરમાં જઈને વાવણીનું કાર્ય કરતા આમ ખેડૂતોએ જણાવ્યું કે, 'વરસાદ એક સાથે બે-ત્રણ ઈંચ ધોધમાર વરસી જાય તો વાવણી થતી નથી. પરંતુ, ધીમી ધારે લાંબો સમય વરસાદ આવે અને જમીનના તળમાં ઉતરે પછી વાવણી માટે યોગ્ય ગણાય છે. એવામાં વરસાદના અભાવે હાલ એકલ-દોકલ વિસ્તારો સિવાય વાવણી થઈ નથી. પરંતુ સાતમી જૂલાઈએ અષાઢી બીજ પૂર્વે સારા-સચરાચર વરસાદની આશા જાગી છે.'

ગુજરાત નજીકના દરિયામાં હજુ ઘટાટોપ વાદળોની જમાવટ જોવા મળતી નથી. પરંતુ, વાદળોનું પ્રમાણ આજે આંશિક રીતે વધ્યું હતું. મૌસમ વિભાગ અનુસાર ઉત્તર ગુજરાત ઉપર ગઈકાલનું સાયક્લોનિક સર્ક્યુલેશન આજે મંદ પડયું છે. પરંતુ, ચોમાસામાં સંચાર થતા 23મી 27મી જૂનથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની ગતિવિધિ વધવાની આગાહી જારી કરાઈ છે.

લોકોને હાલ પૂર્વોત્તર ભારતના રાજ્યો અને દક્ષિત ભારતમાં વ્યાપક અને ધોધમાર વરસાદનું જે હવામાન છે તેવા વરસાદની જરૂર છે પરંતુ, આ ચોમાસાના એક માસમાં આવું હવામાન જ સર્જાયું નથી. મૌસમ વિભાગે જૂનમાં વરસાદ સામાન્યથી ઓછો થાય તેવું પૂર્વાનુમાન તાજેતરમાં જાહેર કર્યું છે પરંતુ, જૂલાઈ-ઓગષ્ટમાં સારા વરસાદનું પણ પૂર્વાનુમાન છે.દરમિયાન રાજ્યમાં ઘણા સમયથી કલાકના મહત્તમ 30થી 40 કિ.મી.ની તીવ્ર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વાદળો આવે છે અને જાય છે. 

27 તાલુકામાં વરસાદ નોંધાયો કપરાડામાં સૌથી વધુ દોઢ ઈંચ

ગુજરાતના 27 તાલુકામાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડયો હતો. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ દોઢ ઈંચ, સુરતના ચોર્યાસીમાં એક ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. અન્યત્ર વલસાડના ઉમરગાંવ, નવસારીના જલાલપોર, તાપીના કુકરમુંડામાં પણ નોંધપાત્ર વરસાદ પડયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે જ્યારે દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 21મી જૂને અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ ,દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છ વરસાદ પડી શકે છે. 22મીથી 23મી જૂને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત આગામી 24મી, 25મી અને 26મી જુને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.


Google NewsGoogle News