અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, નારોલથી જુહાપુર સુધી જળબંબાકાર
Heavy Rain in Ahmedabad: ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. આ દરમિયાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં પણ વરસાદ શરૂ થયો છે. અહીંના શાહીબાગ, મણિનગર, સાબરમતી, ચાંદખેડા, એસજી હાઈવે, જુહાપુરા, સરખેજ, એરપોર્ટ, પાલડી, ગોતા, સોલા, થલતેજ, ખોખરા, નવા નરોડા, અસારવા, વેજલપુર સહિતના મોટાભાગના વિસ્તારમાં મેઘ મહેર શરૂ થતા રસ્તા પર પાણી ભરાયા છે. અમદાવાદમાં જોરદાર વરસાદ વરસતાં જુહાપુરાથી નારોલ સુધીનો વિસ્તાર જળબંબાકાર થઇ ગયો હતો, જાણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી હોય એવું લાગી રહ્યું હતું. નારોલ, વેજલપુરાના નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાય ગયા હતા.
મીઠાખળી અંડરપાસ બંધ
અમદાવાદ શહેરના એસ.જી. હાઈવે પર વરસાદના લીધે ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. રસ્તા પર પાણી ફરી વળતાં અનેક વાહનો બંધ પડી જતાં વાહનો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા એક કલાકમાં નરોડા, મેમકો, સૈજપુરમાં 2 ઈચ, વાડજ, ચાંદખેડા, ઓઢવમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.ભારે વરસાદને પગલે મીઠાખળી અંડરપાસ બંધ કરાયો છે.
ઉમરપાડામાં 14 ઈંચ વરસાદ
ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. ઉમેરપાડા તાલુકાના ઉમરગોટનો સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વળ્યા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
16મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડવાની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
17મી જુલાઈના દિવસે રાજ્યના મોટા ભાગના સ્થળે મેધમહેર
આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.
18મી જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.