Red Alert: દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતૂર, 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. ત્યારે આજે (24મી જૂન) સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદના પગલે આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો છે.
ત્રણ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દેવભૂમિ દ્વારકા, જામનગર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, અરવલ્લી, મહીસાગરમાં યેલો એર્ટલ જાહેર છે, આ ઉપરાંત જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 25મી જૂને દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે થી અતિભારે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. 26મી જૂને બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતૂર
દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ છવાયો છે. જેને લઈને દ્વારકાના દરિયામાં વરસાદી કરંટ જોવા મળ્યો છે. મેઘરાજાના આગમન સાથે જ દરિયામાં 12થી 15 ફુટ મોજા ઉછળી રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવે છે. આ ઉપરાંત ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.
આ જિલ્લામાં ધોધમાર વરસાદ
ઉલ્લેખનીય છે કે, આજે અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતા. તો પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં બેથી અઢી ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. રાજકોટ, ગોંડલ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ પડ્યો છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર મેઘ મહેર થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.