વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યું: ઉત્તરથી લઇને દક્ષિણ, મધ્યથી માંડીને સૌરાષ્ટ્ર સુધી જમાવટ
Gujarat Rain Update : તહેવારોના ટાળે મેઘરાજાએ પધરામણી કરતાં ઉત્તરથી લઇને દક્ષિણ, મધ્યથી માંડીને સૌરાષ્ટ્ર સુધી ગુજરાતના 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી જ ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો છે, તો ક્યાંક મધ્યમ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના વિજાપુરમાં નોંધાયો છે. 3 સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોનસૂન ટ્રફ, ઑફસોર ટ્રફ, લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જેના કારણે ફરી એકવાર ગુજરાતમાં ચોમાસું સક્રીય બન્યું છે. જેના લીધે ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી અને મધ્ય ગુજરાતથી માંડી સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તા. 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી છુટાછવાયા સ્થાળોએ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ રાજ્યભરમાં પધરામણી કરી છે. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના વિજાપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ શહેર જળબંબાકાર બની ગયું હતું. તો બીજી તરફ વિસનગરમાં પણ બે કલાકમાં દોઢ ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, નવસારી, વલસાડ, તાપી, ડાકોર, આણંદ, સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: નરોડામાં 4 કલાકમાં 2 ઇંચ, મીઠાખળી અંડરપાસ બંધ
તમને જણાવી દઇએ કે હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (24મી ઑગસ્ટ) ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વિજાપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ, મહેસાણા જિલ્લામાં 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
મહેસાણા વિજાપુર તાલુકામાં 8 ઇંચ વરસાદ
આજે વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગાજવીજ સાથે મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મહેસાણાના વિજાપુર તાલુકામાં વહેલી સવાથી 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે વિજાપુર 67 મીમી, મહેસાણા 26 મીમી, વિસનગર 21 મીમી, વડનગર 15 મીમી, ખેરાલુ 10 મીમી, કડી 8 મીમી, ઊંઝા 7 મીમી, જોટાણા 5 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે શુક્રવારે બનાસકાંઠામાં 1 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ઝરમરીયા વરસાદથી ઠંડક પ્રસરી હતી.
વિસનગરમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ
આજે વહેલી સવારથી મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે વહેલી સવારે મહેસાણાના વિસનગર શહેરમાં માત્ર બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. જેને લીધે શહેરના અનેક માર્ગો પાણીમાં ડૂબ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઇ જતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા. જેને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મેઘરાજા ધમાકેદાર બેટીંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નરોડામાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ
શહેરમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છુટા છવાયાથી માંડીને ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી લઇને 10 વાગ્યા સુધીમાં સરેરાશ પોણો ઇંચથી લઇને બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના નરોડા વિસ્તારમાં 4 કલાકમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કોતરપુર અને મેમ્કો અને ચાંદખેડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ સાયન્સ સીટી અને ગોતામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે.
વડોદરા જિલ્લામાં મેઘરાજાની પધરામણી
વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા છુટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી પડી રહ્યો છે. હાલમાં શહેરના વાઘોડિયા રોડ, આજવા રોડ, અમિત નગર, રાવપુરા, કારેલીબાગ, માંજલપુર, સમા છાણી, ગોરવા, અલકાપુરી સાહિતના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટો છવાય તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે.
સુરતમાં પણ વરસાદ મેઘરાજાનું આગમન
સુરતમાં પણ ફરી મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસું, અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા, કાપોદ્રા, ઉંધના, ડિંડોલી વિસ્તારમાં સર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે. જોકે, લાંબા સમય સુધી વરસાદની ગેર હાજરી હોવાના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધી ગયું હતું. જેથી લોકોએ ભારે બફારો અનુભવ્યો હતો. જોકે, વરસાદ પાડતા જ વાતાવરણમાં ઠંડક પસરતા જ લોકોને ગરમીથી રાહત પણ થઇ છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તેજ પ્રમાણે સુરતમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ
લાંબા બ્રેક બાદ નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના નવસારી ગણદેવી ચીખલી ખેરગામ જલાલપોર, વાંસદા તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સવારે 6 થી 8 દરમ્યાન એક ઇંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ શ્રાવણ માસમાં વરસેલો વરસાદ ડાંગર પાક માટે લાભદાયી છે. વરસાદને પગલે ગરમી અને ઉકળાટથી છુટકારો મળ્યો છે.
સતત બીજા ખેડા જિલ્લામાં વરસાદ
આજે વહેલી સવારથી જ સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં ખેડા જિલ્લામાં પાણી જ પાણી કરી દીધું છે. ખેડાના કપડવંજમાં મેઘરાજા ધડબડાટી બોલાવતાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે ખેડાના મહુઘા, મહેમદાવાદ અને કઠલાલમાં વરસાદ ખાબક્યો હતો.
રાજકોટના ગોંડલ પંથકમાં બે થી અઢી ઇંચ વરસાદ
સૌરાષ્ટ્ર પંથકમાં પણ છુટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટના ગોંડલની આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. ક્યાંક ધોધમાર તો ક્યાં છુટોછવાયો વરસાદ ખાબક્યો હતો. ગોંડલના કેશવાળા, વાસાવડ અને રાવણામાં ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. જેમાં વાસાવડમાં બે થી અઢી ઇંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ મોટી ખિલોર, પાટખિલોર, ધરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા સતત બીજી દિવસે વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠાના પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો હતો. આ ઉપરાંત બનાકાંઠાના ભાગળ, જગાણા, ડીસા, ધાનેરા, વડગામ, અંબાજી, દાંતા, અમીરગઢ, પાલનપુર, લાલાવાડા, કાણોદર, સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદના પગલે જાહેર માર્ગો અને ડોક્ટર હાઉસ, કીર્તિ સ્તંભ માર્ગ, ધનિયાણા ચોકરી, અંબાજી હાઇવે, ગઠામણ, ઢુંઢિયાવાડી તેમજ હાઇવે પર આવેલી સોસાયટીઓ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં બે કલાકમાં ચાર ઇંચ, અમીરગઢમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ જ્યારે દાંતા અંબાજીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.
સાબરકાંઠા-અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગત 24 કલાકના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ હિંમતનગરમાં 77 મીમી સૌથી વરસાદ નોંધાયો છે. જ્યારે પોશીનામાં 75 મીમી, તલોદમાં 58 મીમી, પ્રાંતિજમાં 43 મીમી, ખેડબ્રહ્મામાં 23 મીમી, ઇડરમાં 19 મીમી, વિજનયગરમાં 17 મીમી, વડાલીમાં 6 મીમી વરસાદ ખાબકતાં ખેડૂતો ગેલમાં આવી છે. લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
ગત 24 કલાકની સ્થિતિ
ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. નડીયાદ અને મેધરાજમાં 4 ઈંચ, બગસરામાં 3.81 ઈંચ, મહુધામાં 3.62 ઈંચ, દેહગામમાં 3.54 ઈંચ, અમીરગઢમાં 3.50 ઈંચ અને ગોધરમાં 3.26 ઈંચ જોટલો વરસાદ નોંધાયો છે.
જાણો 25મી ઑગસ્ટે કયા જિલ્લાઓમાં એલર્ટ
25મી ઑગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.